હેટ સ્પીચના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં પહેલાથી જ પોલીસ સ્ટેશન, હાઇકોર્ટો છે. એવામાં દરેક નાની ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથી. સાથે જ અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે એક ચોક્કસ વર્ગના લોકોનો આર્થિક અને સામાજિક રીતે બહિષ્કાર કરવાનું કેમ્પેઇન ચલાવાય છે. જેને અટકાવવા માટે કડક કાયદો ઘડવા આદેશ આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે જો તમને કોઇ રાજ્યના મામલાને લઇને સમસ્યા હોય તો જે તે રાજ્યની હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવે. જો જનહિત સામેલ હશે તો તેના પર ધ્યાન આપશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમગ્ર દેશમાં આવી નાની મોટી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટ નજર કેવી રીતે રાખી શકે? તમે પ્રશાસન સમક્ષ રજુઆત કરો અને તેમને પગલા લેવા દો. અન્યથા હાઇકોર્ટ જાવ.
જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે જાહેર હિત માત્ર કોઇ ચોક્કસ ધર્મ પુરતુ સિમિત ના રાખી શકાય. તમામ ધર્મોમાં ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ થાય છે. અરજદારના વકીલને આ મુદ્દે ધ્યાન દોરીશ અને પછી તેઓ તમામ ધર્મોના લોકોની હેટ સ્પીચ મુદ્દે કાર્યવાહીની માગણી કરે.

