ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફને બમણું કરીને ૫૦ ટકા કરી દેતા શરૃઆતમાં તેની અસર તમામ સેક્ટર પર જોવા મળી હતી જો કે હવે ૨૭ ઓગસ્ટથી અમલમાં આવેલા આ ટેરિફની ભારતીય અર્થતંત્ર પર કોઇ નેગેટિવ અસર જોવા મળી રહી નથી અને ભારતની નિકાસ ઉપર પણ ખાસ કોઇ અસર જોવા મળી નથી.

નવેમ્બર મહિનામાં ભારતની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. આયાતમાં ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ રહી છે કે નવેમ્બરમાં ભારતની વેપાર ખાધમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
વેપાર ખાધમાં આ ઘટાડો એન્જિનિયરિંગ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ તથા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના સારા દેખાવને કારણે થયો છે.
નવેમ્બર મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને ૨૪.૫૩ અબજ ડોલર રહી છે . જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં વેપાર ખાધ ૩૧.૯૩ અબજ ડોલર રહી હતી.સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતની વેપાર ખાધ નવેમ્બરમાં ઓક્ટોબરની સરખામણીમાં ઝડપથી ઘટી છે. ઓક્ટોબરમાં વેપાર ખાધ ૪૧.૬૮ અબજ ડોલર રહી હતી.
આજે જારી કરવામાં આંકડા અનુસાર નવેમ્બરમાં ભારતની નિકાસ ૧૯.૩૭ ટકા વધીને ૩૮.૧૩ અબજ ડોલર રહી છે. જ્યારે નવેમ્બરમાં ભારતની આયાત ૧.૮૮ ટકી ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર રહી છે. નવેમ્બરમાં આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત એટલે કે વેપાર ખાધ ૨૪.૫૩ ડોલર રહી છે. જે છેલ્લા પાંચ મહિનાની નીચલી સપાટી છે.
અમેરિકામાં ભારતની નિકાસ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૫માં ૧.૩ અબજ ડોલર વધીને ૬.૯૮ અબજ ડોલર રહી છે.
