નવી આશાઓ, અવસરો, પડકારો અને ઉમંગ સાથે વિશ્વભરમાં નવા વર્ષ ૨૦૨૬નું સ્વાગત કરાયું હતું અને વર્ષ ૨૦૨૫ને વિદાય આપવામાં આવી હતી. યુદ્ધો, આતંકી હુમલા અને ગ્લોબલ વોર્મિંગ સહિતના પડકારો સાથે લોકોએ વર્ષ ૨૦૨૬ને વધાવ્યું હતું. નવા વર્ષની પ્રથમ શરૂઆત ટાપુ દેશ કિરિબાતીથી થઇ હતી, જે બાદ ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં ફાયર શો યોજીને નવા વર્ષને આવકારાયું હતું.

ક્રિસમસ લેન્ડ તરીકે ઓળખાતા કિરિબાતીના કિરિમાતીમાં સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત કરાઇ, ભારતીય સમય મુજબ ૩૧મી તારીખે બપોરે ૩.૩૦ કલાકે જ નવા વર્ષની શરૂઆત આ ટાપુ દેશમાં થઇ ગઇ હતી. જે બાદ સમય આગળ વધતા અન્ય દેશોમાં પણ લોકોએ ધામધુમથી ઉત્સાહપૂર્વક નવા વર્ષની શરૂઆત કરી હતી. ન્યૂઝિલેન્ડના આઇકોનિક ગણાતા સ્કાય ટાવર પર ફાયર શો યોજાયો હતો. ન્યૂઝિલેન્ડમાં ઉજવણીના બે કલાક બાદ ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષને વધાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર ૧૪ ડિસેમ્બરના આતંકી હુમલામાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવીને લોકોએ ગોઝારા વર્ષ ૨૦૨૫ને વિદાય આપી હતી. અને આતંકવાદ સામે લડી લેવાના સંકલ્પ સાથે વર્ષ ૨૦૨૬નું સ્વાગત કર્યું હતું. સિડનીના હાર્બર બ્રિજને શણગારવામાં આવ્યો હતો.
બાદમાં ઇન્ડોનેશિયા અને હોંગકોંગમાં નવા વર્ષને આવકારાયું હતું, તાજેતરમાં જ પૂર અને ભુસ્ખલનમાં અહીંયા સુમાત્રા ટાપુ સહિતના વિસ્તરોમાં ૧૧૦૦ લોકો માર્યા ગયા હતા. જેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભારે જાનહાની અને દુઃખદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયાએ હાલમાં નવા વર્ષની ઉજવણી કરવાનું ટાળ્યું હતું. ઉજવણીના બદલામાં નાગરિકોએ પીડિતો માટે પ્રાર્થનાઓ કરવાનું પસંદ કર્યું હતું. હોંગકોગમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી, હોંગકોંગમાં નવેમ્બરમાં આગજનીની ઘટનાએ ૧૬૧ લોકોનો ભોગ લીધો હતો. જેમને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.
બાદમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં નવા વર્ષની ઉજવણી થઇ હતી. ચીનના પ્રમુખ શી જિનપિંગે નવા વર્ષની ઉજવણી પ્રસંગે દેશને સંબોધન કર્યું હતું, જિનપિંગે ટેક્નોલોજી ક્ષેત્રે ચીનની સફળતાના વખાણ કર્યા હતા. ભારતમાં મુંબઇ, દિલ્હી, કોલકાતા સહિતના મોટા શહેરોમાં નવા વર્ષની ઉજવણી માટે અનેક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા હતા અને ઉત્સાહપૂર્વક અનેક આશાઓ સાથે નવા વર્ષને વધાવ્યું હતું. ગોવાના બીચ નવા વર્ષની થીમ પર શણગારવામાં આવ્યા હતા, લોકોએ મ્યૂઝિક, ડાંસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ભારતમાં વર્ષ ૨૦૨૫ કેટલાક મોટા પડકારો છોડતું ગયું છે જેનો નવા વર્ષમાં પણ લોકોએ સામનો કરવો પડી શકે છે જેમ કે પ્રદૂષણ, અરવલ્લી પર્વતમાળાનો વિવાદ, બેરોજગારી, મોંઘવારી, આતંકવાદ, સરહદે તંગદીલીની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે.

