છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન દેશભરમાં અનેક ફ્લાઇટો રદ થવાને કારણે મુસાફરો પણ રઝળી પડ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે.

દિલ્હી હાઇકોર્ટના કેન્દ્ર સરકારને આકરા સવાલ
ઇન્ડિગો એરલાઇન્સના સંકટ મામલે દિલ્હી હાઇકોર્ટે સુનાવણી હાથ ધરતાં કેન્દ્ર સરકારને જ સવાલો પૂછતાં કહ્યું હતું કે આ એક ગંભીર સંકટ છે, ફક્ત મુસાફરો ફસાયા હોય તેનો સવાલ નથી. આ તો અર્થતંત્રને નુકસાન પહોંચાડનારું છે. આવી સ્થિતિ પેદા જ કેવી રીતે થઈ ? તે માટે જવાબદાર કોણ છે ? મુસાફરો રોજ હેરાન થઈ રહ્યા છે અને હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ટિકિટોના ભાવમાં બેફામ વધારા પર ભડકી હાઇકોર્ટ
આ સાથે દિલ્હી હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે તમે મુસાફરોને થયેલા નુકસાન અને તેમની મદદ માટે શું પગલાં ભર્યા છે? જે ટિકિટો પહેલા 5000 રૂપિયામાં ઉપલબ્ધ હતી તેની કિંમત 35000થી 40000 રુપિયા સુધી કેવી રીતે પહોંચી ગઈ ? તમે અન્ય એરલાઇન્સને સંકટનો ફાયદો ઊઠાવવાની મંજૂરી આપી જ કેવી રીતે?
સરકારે બેદરકારી દાખવી : દિલ્હી હાઇકોર્ટ
સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે અમે લાંબા સમયથી FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) લાગુ કરવા માગતા હતા. અગાઉ જુલાઈ અને નવેમ્બરમાં બે તબક્કામાં તે લાગુ કરવા અંડરટેકિંગ અપાયું. ત્યારે કોર્ટે ડીજીસીએના વકીલને પૂછી લીધું કે તેમને છૂટ કોણે આપી અને આ સ્થિતિ આવી જ કેવી રીતે? ડીજીસીએને લપેટતાં હાઇકોર્ટે કહ્યું કે તમે એરલાઇન્સ સામે કોઈ કાર્યવાહી કરી જ નથી. ત્યારે ડીજીસીએએ કહ્યું કે આ કર્મચારીઓના અભાવને કારણે સંકટ સર્જાયું છે અને છૂટ ન આપી હોત તો તેની વ્યાપક અસર થઈ હોત. ત્યારે ફરીવાર હાઇકોર્ટે આરોપ મૂક્યો કે ડીજીસીએ દ્વારા આંકડાઓમાં ગરબડ કરવામાં આવી રહી છે.

