બિહારમાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ લોન્ચ કરી હતી, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પહેલા હપ્તા તરીકે ૭૫ લાખ મહિલાઓના ખાતામાં રૂ. ૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે પીએમ મોદીએ લાલુ રાજની યાદ અપાવતા બિહારના લોકોને રાજ્યમાં લાલુ પ્રસાદ યાદવનો પક્ષ રાજદ અને તેના સાથી પક્ષો ફરી સત્તા પર ના આવે તેની ખાતરી રાખવા વિનંતી કરી હતી.ચૂંટણી રાજ્ય બિહારમાં મહિલા સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એનડીએ સરકારે રૂ. ૭૫૦૦ કરોડની ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો પહેલો હપ્તો શુક્રવારે ૭૫ લાખ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાયો હતો.

પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે આ યોજના લોન્ચ કરતા કહ્યું કે, નવરાત્રીના આ પાવન પર્વમાં આજે મને બિહારની નારી શક્તિ સાથે તેમની ખુશીઓમાં જોડાવાની તક મળી. નારી શક્તિના આ પર્વમાં આપ સૌનો આશિર્વાદ અમારા માટે મોટી શક્તિ છે. બિહારની માતાઓ, બહેનો અને પુત્રીઓના કલ્યાણ માટે ડબલ એન્જિનની સરકાર સમર્પિત ભાવથી કામ કરી રહી છે. આ ક્રમમાં આજે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’નો શુભારંભ કરવો મારા માટે ગર્વની બાબત છે.
તેમણે જણાવ્યું કે, આ યોજના હેઠળ બિહારના દરેક પરિવારની એક મહિલાને પોતાની પસંદના રોજગાર માટે રૂ. ૧૦,૦૦૦નો પહેલો હપ્તો અપાયો છે.
કામ શરૂ કર્યાના છ મહિના પછી મૂલ્યાંકનના આધારે તેમને મહત્તમ રૂ. ૨ લાખ સુધીની વધારાની સહાય કરાશે. આ એક સમુદાય આધારિત યોજના છે, જેમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને નાણાકીય મદદ સાથે તાલિમ પણ અપાશે. તમારા બે ભાઈઓ નરેન્દ્ર અને નીતિશ તમારી સેવામાં કામ કરી રહ્યા છે.
આ યોજનામાં ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે બિહારમાં ગ્રામીણ હાટ-બજારોને વધુ વિકસાવવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. આ પગલું મહિલાઓને તેમના ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરશે અને તેમની આજીવિકા વધારશે. જોેકે, આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મહિલાઓ બિહારમાં સ્થાયી નિવાસ ધરાવતી હોવી જરૂરી છે. આ યોજના દરેક ધર્મ અને જાતીઓ માટે છે તથા તેમાં ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ કરાયો છે. જોકે, અરજદારોના પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં ના હોવો જોઈએ તથા તે ઈન્કમ ટેક્સ ના ભરતા હોવા જોઈએ.
આ યોજના લોન્ચ કરતા પીએમ મોદીએ રાજદ હેઠળના શાસનની યાદ અપાવી હતી. તેમણે કહ્યું, રાજદ શાસનમાં બિહારમાં મહિલાઓએ ઘણું સહન કરવું પડયું હતું. તે સમયે રાજ્યમાં રસ્તા નહોતા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ અત્યંત દયનીય હતી. મહિલાઓએ રાજદ નેતાઓના અત્યાચાર સહન કર્યા છે. જોકે, નીતિશ કુમારના શાસનમાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે છે.

