ભારતના પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત કથળી રહેલા સંબંધો વચ્ચે સંરક્ષણ મંત્રાલય રૂ. ૮૦,૦૦૦ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે. બીજીબાજુ ભારતીય સૈન્યે સરહદ પર નિરીક્ષણ વધુ મજબૂત કરવા માટે ૨૦ ડ્રોન ખરીદવાની યોજના બનાવી છે. આ ડ્રોનને પાકિસ્તાન અને ચીન સરહદૈ તૈનાત કરાશે. દરમિયાન પાકિસ્તાને ફરી એક વખત આતંકી કેમ્પો શરૂ કર્યા છે તથા ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવા ડરથી પાકિસ્તાને પીઓકેમાં ૩૦થી વધુ એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે.ભારતીય સંરક્ષણ મંત્રાલયની હથિયારોની ખરીદીને મંજૂરી આપતી ટોચની સંસ્થા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) કેેટલાક મોટા સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સને આપવાની તૈયારી કરી રહી છે. ડીએસીની એક મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે યોજાઈ હતી, જેમાં ભારતીય સૈન્ય, નેવી અને એરફોર્સ માટે અનેક મોટા સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાની હતી, પરંતુ આ બેઠક આગામી સપ્તાહ પર મુલતવી રાખવામાં આવી છે. પરિણામે ઈમર્જન્સી પ્રોકરમેન્ટની અંતિમ તારીખ લંબાવીને ૧૫ જાન્યુઆરી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, ડીએસી રૂ. ૮૦,૦૦૦ કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપવાની હતી. આ બેઠકનો મુખ્ય આશય દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાનો અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વધારવાનો હતો, તેમાં દિલ્હી-એનસીઆરને હવાઈ હુમલાથી બચાવવા એક સ્વદેશી ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમને મંજૂરી મળવાની ચર્ચા હતી. આ સિસ્ટમ દિલ્હી અને આજુબાજુના વિસ્તારોને એર સ્ટ્રાઈક સામે સુરક્ષા પૂરી પાડશે.
આ સિવાય ડીએસીમાં નેવી માટે યુદ્ધજહાજોના હુમલાથી બચવા માટે સ્વદેશી મીડિયમ-રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ખરીદવા માગે છે. ભારત અમેરિકા પાસેથી બે ગાર્ડિયન એમક્યુ-૯બી એચએએલઈ ડ્રોન ત્રણ વર્ષ માટે લીઝ પર લેવાનો નિર્ણય લઈ શકે છે. ભારત પહેલાથી આવા ૩૧ ડ્રોન ખરીદવાનો સોદો કરી ચૂક્યું છે, જે ૨૦૨૮થી ભારત આવવાના શરૂ થશે. વધુમાં એરફોર્સ માટે ૨૦૦ કિ.મી.થી વધુની સ્ટ્રાઈક રેન્જવાળા એસ્ટ્રા માર્ક-૨ એર-ટુ-એર મિસાઈલોના ડેવલપમેન્ટ અને ખરીદીને મંજૂરી મળી શકે છે. ભારતીય સૈન્ય માટે ૨૦૦ ટી-૯૦ ટેન્કોને પણ સ્વદેશી રીતે અપગ્રેડ કરવાની યોજના છે.
દરમિયાન ભારતીય સૈન્યે સરહદ પર નિરીક્ષણ વધુ મજબૂત કરવા ૨૦ ટેક્ટિકલ રીમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (ડ્રોન) ખરીદવાની યોજના બનાવી છે. તેમાંથી ૧૦ ડ્રોન મેદાની વિસ્તારો માટે અને ૧૦ ડ્રોન ઊંચાઈવાળા ક્ષેત્રો માટે હશે. આર્મી ૧૦ ડ્રોન પાકિસ્તાન સરહદે અને ૧૦ ડ્રોન ચીન સરહદૈ તૈનાત કરશે.
બીજીબાજુ ભારતના ઓપરેશન સિંદૂરમાં થયેલા સચોટ ડ્રોન હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને હવે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના ફ્રન્ટ વિસ્તારોમાં મોટાપાયે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ૨.૦થી ડરેલા પાકિસ્તાને રાવલકોટ, કોટલી અને ભિંબર સેક્ટરો સામે ૩૦થી વધુ યુનિટની નવી એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે.

