આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના લોકશાહીકરણની ભલામણ કરતા વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ગુરુવારે એઆઈના માનવલક્ષી અભિગમ માટે ‘માનવ’ મંત્ર રજૂ કર્યો અને તેમાં સાર્વભૌમત્વ અને સમાવેશક્તા પર વિશેષ ભાર મૂક્યો હતો. એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ધાટન કરતા પીએમ મોદીએ કહ્યું, ભારતનું માનવું છે કે એઆઈના કોડ ઓપન અને વહેંચાયેલા હોય ત્યારે જ વિશ્વનું ભલું થઈ શકે છે. તેમણે દુનિયાને અપીલ કરી કે ટેક્નોલોજીના આ યુગમાં આવી રહેલા પરિવર્તનોને માનવતાની મોટી તકોમાં બદલવા જોઈએ. એઆઈની સફળતા સાચી સમજ અને સાચા કામ પર ટકેલી છે. ભગવાન બુદ્ધના ઉપદેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સાચું કામ હંમેશા સાચી સમજથી આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ધાટન કરતા દુનિયાભરની એઆઈ કંપનીઓના સીઈઓને સંબોધન કરતા એઆઈને યોગ્ય દિશા આપવા પર ભાર મૂક્યો હતો. એઆઈ ટ્રાન્સફોર્મેટિવ પાવર, તે દિશાહીન થશે તો વિનાશ સર્જાશે અને સાચી દિશા મળશે તો દુનિયાને અનેક પડકારોનું સમાધાન આપશે.
તેમણે દુનિયાને ‘માનવ’ મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, તેનાથી એઆઈને સકારાત્મક દૃષ્ટિકોણ મળશે. ભારતનું માનવ વિઝન ૨૧મી સદીના એઆઈ સંચાલિત વિશ્વમાં માનવ કલ્યાણ માટે મહત્વની કડી બની શકે છે. એઆઈના સંદર્ભમાં ભારતનું ‘માનવ’ વિઝન ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ છે. એઆઈનો ઉપયોગ પણ આ સિદ્ધાંત પર થવો જોઈએ, જેથી સમગ્ર માનતાને તેનો લાભ મળી શકે.
તેમણે કહ્યું, હું એઆઈ માટે ‘માનવ’ મંત્રની દરખાસ્ત કરું છું, જેમાં એમ એટલે મોરલ અને એથિકલ સિસ્ટમ, એ એટલે એકાઉન્ટેબલ ગવર્નન્સ, એન એટલે નેશનલ સોવરેનિટી, એ એટલે એક્સેસીબલ અને ઈન્ક્લુઝિવ, વી એટલે વેલિડ અને લિજિટિમેટનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ એક એવી એઆઈ ઈકોસિસ્ટમની ભલામણ કરી જે સંવેદનશીલ હોય, જેમાં માણસ કેન્દ્રમાં હોય. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સમિટ એક નૈતિક અને જવાબદાર ડિજિટલ ભવિષ્ય બનાવવામાં મદદ કરશે. ઈતિહાસ સાક્ષી છે કે માણસે દરેક પકડારને એક નવી તકમાં ફેરવ્યા છે. આજે એઆઈના રૂપમાં આપણી પાસે ફરીથી આવી જ એક તક છે. એઆઈને મુક્ત આકાશ આપવું જોઈએ, પરંતુ તેનો કમાન્ડ માણસના હાથમાં જ હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, ડિજિટલ વર્લ્ડમાં પણ કન્ટેન્ટ પર વિશ્વસનીયતા હોવી જોઈએ. લોકોને ખ્યાલ હોવો જોઈએ કે અસલી શું છે અને નકલી શું છે. વોટરમાર્કની પરંપરા વધી રહી છે. તેથી જરૂરી છે કે આ વિશ્વાસ ટેકનીકમાં શરૂથી જ બિલ્ડઈન હોય. આપણે બાળકોની સુરક્ષા માટે વધુ સાવચેત રહેવું જોઈએ. સ્કૂલનો અભ્યાસક્રમ સ્ટાન્ડર્ડ હોય છે તેમ એઆઈ સ્પેસ પણ ચાઈલ્ડ સેફ અને ફેમિલી ગાઈડેડ હોવી જોઈએ. તેમણે જણાવ્યું કે, દુનિયામાં બે પ્રકારના લોકો છે, જેમાં એકને એઆઈમાં ભય દેખાય છે અને બીજા એવા છે જેમને એઆઈમાં ભાગ્ય દેખાય છે. હું ગર્વ સાથે કહી શકું કે અમને ભય નહીં ભારતને એઆઈમાં ભાગ્ય દેખાય છે. તેમણે જણાવ્યું કે, ભારત પાસે પ્રતિભા પણ છે અને ઊર્જાની ક્ષમતા પણ છે. નીતિગત મુદ્દે સ્પષ્ટતા પણ છે.

