આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આડ અસરો અને ભવિષ્યના નુકસાન અંગે હાલમાં મોટાપાયે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને યુવાનોને ચિંતા થઈ રહી છે કે, એઆઈ દ્વારા તેમની નોકરીઓનો ભોગ લઈ લેવાશે. તેના કારણે તેમને ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. આ માત્ર નોકરીઓની જ ચિંતા કરવા જેવી નથી. એઆઈ અને ચેટબોટ્સ તથા ડીપફેક અને ગ્રોક જેવી સિસ્ટમ ભવિષ્યમાં સમગ્ર દેશને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે દેશની સરકારો ઉથલી શકે છે અને ચૂંટણીના પરિણામો પણ બદલાઈ શકે છે. જાણકારો માને છે કે, એઆઈ ચેટબોટ્સ અને ડીપફેક દ્વારા ફેલાવાતા ખોટા સમાચારો અને માહિતીઓના કારણે લોકશાહીના પાયામાં રહેલી ચૂંટણીઓને વ્યાપક અસર થઈ શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલા દુનિયાના પહેલાં સોશિયલ મીડિયા વોરગેમમાં આ બાબત સાબિત થઈ ગઈ હતી. અહીંયા દુનિયાનો પહેલો પ્રયોગ કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એઆઈ બોટ્સનો ઉપયોગ કરીને એક કાલ્પનિક ચૂંટણી રાખવામાં આવી અને તેના પરિણામો પણ વ્યાપક અસર હેઠળ બદલી કાઢવામાં આવ્યા. ધ કન્વર્સેશનના આ અહેવાલે વ્યાપક ચિંતા જન્માવી છે. કેપ્ચર ધ નેરેટિવ નામના પ્રયોગ ઉપર રજૂ થયેલા અહેવાલે દુનિયાભરની લોકશાહી સામે લાલ બત્તી ધરી છે. આ અહેવાલમાં જણાવ્યું છે કે, એઆઈ અને ડીપફેક માત્ર બનાવટી કે નકલી માહિતી અને સમાચાર બનાવવા કે ફેલાવવામાં જ એક્સપર્ટ છે તેવું નથી પણ તે વ્યક્તિની માનસિકતાને અસર કરીને તેને કાબુ કરી શકે છે અને બદલી પણ શકે છે. ઓસ્ટ્રેલિયા ખાતે સંશોધકો દ્વારા કેપ્ચર ધ નેરેટિવ નામની એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઓસ્ટ્રેલિયાની ૧૮ યુનિવર્સિટીઓની ૧૦૮ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ તમામ ટીમમાં રહેલા વિદ્યાર્થીઓએ બે કાલ્પનિક ઉમેદવારોની ચૂંટણી કરીને તેને પ્રમુખપદે બેસાડવાના હતા. તેમાં વિક્ટર નામના ઉમેદવારે ડાબેરી બતાવાયો હતો જ્યારે મરીનાને જમણેરી બતાવાઈ હતી. આ બંનેમાંથી કોઈ એક રાષ્ટ્રપતિ બનશે તેવું આયોજન કરાયું હતું. આ વિદ્યાર્થીઓ દ્વારા કન્ઝયુમર ગ્રેડ એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા બોટ્સ બનાવવામાં આવ્યા હતા.

સંશોધકો દ્વારા આ ચૂંટણી માટે એક ઈન હાઉસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ બનાવાયું હતું. તેના ઉપર સિમ્યુલેટેડ સિટિઝન્સ હાજર હતા. આ એવા નકલી મતદારો હતા જે સાચા મતદારોની જેમ વિચારી શકતા હતા અને નિર્ણય લઈ શકતા હતા. ચાર અઠવાડિયા સુધી આ ચૂંટણી મુદ્દે ડિજિટલ પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી માટે જ્યારે પ્રચાર યુદ્ધ પૂરું થયું તો તેના પરિણામો સામે આવવાના હતા. તેમાં સ્થિતિ એવી થઈ કે જે ઉમેદવાર નબળો દેખાતો હતો અને હારી જશે તેમ લાગતું હતું તેનો વિજય થયો હતો. સ્થિતિ સાવ પલટાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ ડિજિટલ યુદ્ધ દરમિયાન સૌથી પહેલાં તો કન્ટેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. નક્કી થયેલા સમયગાળા દરમિયાન ૭૦ લાખ જેટલી પોસ્ટ જનરેટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાંથી ૬૦ ટકા પોસ્ટ માણસોએ નહીં પણ એઆઈ બોટ્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ચૂંટણીનું પરિણામ એ આવ્યું કે, તેમાં ડાબેરી નેતા વિક્ટરનો વિજય થયો હતો. સંશોધકો દ્વારા આ ચૂંટણીના પરિમાણો પાછળની વાસ્તવિકતાને જાણ્યા બાદ ફરીથી સિમ્યુલેશન કરવામાં આવ્યું. આ વખતે તેમણે બોટ્સની દખલ વગર આ ચૂંટણી કરી હતી. આ ચૂંટણીનું પરિણામ પહેલાના પરિણામ કરતા વિપરિત આવ્યું. વાસ્તવિક રીતે મરીના ૧.૭૮ ટકા વધુ વોટથી જીતતી હતી. સામાન્ય એઆઈ ટુલ્સ દ્વારા બનાવવામાં આવેલા બોટ્સ, તેમના પ્રચારે જનમત ઉપર વ્યાપક પ્રભાવ જન્માવ્યો અને તેના કારણે જે ઉમેદવારનો પરાજય થવાનો હતો તેનો વિજય થયો.
જાણકારોના મતે આ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓને જે તારણો મળ્યા તે ખરેખર ડરાવનારા અને ચિંતા જન્માવનારા હતા. આ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જોયું તો લોકો સુધી સત્ય પહોંચાડવા કરતા જુઠ્ઠાણું ફેલાવવું વધારે સરળ હતું. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, સાચી અને સત્ય ધરાવતી પોસ્ટની સરખામણીએ બનાવટી અથવા તો નકલી કે ઉપજાવી કાઢેલી પોસ્ટની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ કામગીરી છે. વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી જીતવા માટે ઝેર ઓકતી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, જ્યારે જ્યારે બોટ્સ દ્વારા નકારાત્મક વાતો કરવામાં આવતી, ઝેર ઓકવામાં આવતું અથવા તો નકારાત્મક લાગણીઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવતો ત્યારે તેમને સોશિયલ મીડિયા ઉપર વધારે એન્ગેજમેન્ટ મળતું હતું.
એઆઈ સતત જુઠ્ઠાણા ચલાવીને લોકમાનસમાં સત્ય વિશે પણ શંકા જન્માવે છે
સંશોધકોએ નોંધ્યું હતું કે, જ્યારે આ પ્રકારે પ્રચાર દરમિયાન જુઠ્ઠાણાનો અતિરેક કરી દેવામાં આવે ત્યારે લોકો સત્ય ઉપર પણ શંકા કરવા લાગે છે. આ સ્થિતિને લાયર્સ ડિવિડન્ડ કહેવાય છે. સાચા વીડિયો અને કન્ટેન્ટને પણ લોકો એઆઈ દ્વારા બનાવવામાં આવેલા અથવા તો બનાવટી માહિતી ધરાવતા કન્ટેન્ટ માનવા લાગે છે. સંશોધકો કહો છે કે, ડિસેમ્બર ૨૦૨૫માં બોન્ડિ બીચ ઉપર જે આંતકવાદી હુમલો થયો તેના પછી સોશિયલ મીડિયામાં એઆઈ દ્વારા બનાવવામાં આવેલા નકલી ન્યૂઝની ભરમાર થઈ ગઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સનું એક પ્રીમિયર પણ ફેક વીડિયો થકી વાઈરલ કરવામા આવ્યું હતું. આ ઉપરાંત એડવર્ડ ક્રેબટ્રી નામના એક બનાવટી હીરોની પણ વાતો વહેતી થવા લાગી હતી. તે ઉપરાંત હમાસ હુમલામાં બચી ગયેલા સર્વાઈવરની ડીપફેક વીડિયો અને તસવીર બનાવીને તેને ક્રાઈસિસ એક્ટર જાહેર કરવામાં આવ્યો હતો. જાણકારોના મતે આ સ્થિતિ દેખાય છે તેટલી સરળ નથી. અહીંયા એઆઈ ચેટબોટ્સ દ્વારા અન્ય ચેટબોટ્સ સાથે તર્ક કરવામાં આવ્યો હતો. અહીંયા ચૂંટણીના મુદ્દા અને તેની અસરો અંગે વિવિધ ચેટબોટ્સ દ્વારા પોતાની રીતે ક્લોઝ્ડ લૂપ બનાવીને ચર્ચા કરવામાં આવી હતી. તેના દ્વારા માણસોની લાગણીઓને ભડકાવી શકે અને તેમને કન્ટ્રોલ કરી શકે તેવી સામગ્રી તૈયાર કરી શકાય. આ એક એવી નકલી અને આભાસી વાસ્તવિકતા હતા જેનો આશય માત્ર વોટિંગ પેટર્નને તોડવાનો અને વધારેમાં વધારે ક્લિક પ્રાપ્ત કરવાનો હતો.
2024-25ની ચૂંટણીમાં ડીપફેકનો ભયાનક સ્તરે દૂરુપયોગ થયો હતો
બીજી ચિંતાજનક બાબત એવી પણ છે કે, ચૂંટણીઓમાં પણ એઆઈ અને ડીપફેકનો ભયાનક સ્તરે દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ એઆઈનો મોટાપાયે દૂરુપયોગ થયો હતો. તે સમયે કોંગ્રેસના એક નેતાઓ એઆઈ દ્વારા વીડિયો બનાવીને વાઈરલ કરવામાં આવ્યો હતો. આ નેતાને હરિયાણવીમાં ભડકાઉ ભાષણ આપતા બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ આ ભાષામાં એક શબ્દ પણ બોલી શકતા નથી. તેવી જ રીતે આમિર ખાન અને રણવીર સિંહ જેવા અભિનેતાઓ પણ રાજકીય પક્ષ માટે વોટ માગતા હોય તેવા વીડિયો બનાવાયા હતા. તે ઉપરાંત તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. એમ કરુણાનિધિનો ડીપફેક વીડિયો બનાવાયો હતો. તેઓ સ્ટાલિનના વખાણ કરતા બતાવાયા હતા. આ ઉપરાંત એઆઈની મદદથી સાઈબર ફ્રોડના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ ૭૯ વર્ષની એક મહિલા સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડી કરનારા લોકો દ્વારા ઈન્ફોસિસના સ્થાપક નાયારણ મૂર્તિના ડીપફેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના થકી તેઓ મહિલાને નકલી ટ્રેડિંગ સાઈટ ઉપર લઈ ગયા અને ત્યાં ફુલેકુ ફેરવી દીધું. તેવી જ રીતે મુકેશ અંબાણીના ડીપફેક વીડિયો દ્વારા બે લોકો સાથે ૯૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. તેવી જ રીતે કેરળમાં એક વ્યક્તિને તેના પૂર્વ સાથી કર્મચારીના નકલી વીડિયો દ્વારા વોટ્સએપ કોલ કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૨૫માં પણ જે રાજ્યમાં અને દેશમાં ચૂંટણી યોજવામાં આવી તેમાં પણ વ્યાપક પ્રમાણમાં ડીપફેક, એઆઈ જનરેટેડ કન્ટેટન્ટ અને અન્ય એઆઈ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે ચૂંટણીના પરિણામોમાં વ્યાપક ફેરફાર આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફિલિપાઈન્સ, મિસર, ટાંઝાનિયા અને કેમરુન જેવા દેશોમાં પણ ચૂંટણી દરમિયાન એઆઈનો વ્યાપક ઉપયોગ અને તેની અસરો જોવા મળી હતી. ભારતની વાત કરીએ તો દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઈ બોટ્સ, ડીપફેક, નકલી વીડિયો અને તસવીરોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદો હતી. તેના દ્વારા ચૂંટણીના પરિણામોને અસર પાડવાનો મોટો કારસો કરવામાં આવ્યો હતો.

