ભારત ફેબ્રુઆરી 2026માં એક મહત્વપૂર્ણ વૈશ્વિક AI સમિટનું આયોજન કરી રહ્યું છે, જેમાં 100થી વધુ દેશો ભાગ લેશે. આ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ ન મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે
ભારત 16થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હીમાં AI-ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમિટ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાશે અને તેમાં દુનિયાના 100થી વધુ દેશો ભાગ લેશે. આ વૈશ્વિક પરિષદનો હેતુ (Artificial Intelligence)ના જવાબદાર અને માનવ-કેન્દ્રિત વિકાસ માટે વૈશ્વિક સહયોગ મજબૂત કરવાનો છે.
આ સમિટ ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે — લોકો (People), ગ્રહ (Planet) અને પ્રગતિ (Progress). ભારત ઈચ્છે છે કે AI ફક્ત ટેકનોલોજી નહીં પરંતુ માનવજાત માટે ઉપયોગી સાધન બને. આ કારણે સમિટમાં આરોગ્ય, શિક્ષણ, આબોહવા પરિવર્તન, રોજગાર સર્જન અને આર્થિક વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ સમિટમાં યુરોપ, અમેરિકા, એશિયા-પેસિફિક, આફ્રિકા અને ગલ્ફ દેશોના ટોચના નેતાઓ ભાગ લેશે. 45થી વધુ દેશોના મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળોની હાજરી રહેશે. સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહે તેવી અપેક્ષા છે.
આ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી, જેના કારણે ચર્ચા તેજ બની છે. જોકે ભારત તરફથી આ અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગ લેનારા દેશોની પસંદગી વ્યૂહાત્મક અને નીતિગત માપદંડો આધારે કરવામાં આવી છે. ભારત એવા દેશો સાથે સહયોગ વધારવા માંગે છે, જે જવાબદાર, સુરક્ષિત અને નૈતિક AI વિકાસમાં વિશ્વાસ રાખે છે.
સમિટમાં શું થશે?
AI-ઇમ્પેક્ટ સમિટમાં
મંત્રી સ્તરના સત્રો
AI નિષ્ણાતોની પેનલ ચર્ચાઓ
સ્ટાર્ટઅપ શોકેસ
રોકાણ અને નીતિ પર ચર્ચા
દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો
આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ટેકનોલોજી બતાવવાનો નથી, પરંતુ વૈશ્વિક AI ધોરણો, નીતિનિર્માણ, રોકાણ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે મજબૂત આધાર તૈયાર કરવાનો છે.
આ સમિટ દ્વારા ભારત પોતાને વૈશ્વિક AI લીડર તરીકે સ્થાપિત કરવા માંગે છે. “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે ભારત વિશ્વને બતાવવા માંગે છે કે ટેકનોલોજી માનવતા માટે કેવી રીતે ઉપયોગી બની શકે.
