હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરન કુમારના આપઘાત કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજારનિયાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. એક સત્તાવાર આદેશ મુજબ, IPS અધિકારી સુરિન્દર સિંહ ભોરિયાને રોહતકના નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પૂરન કુમારે (IPS) ગયા મંગળવારે તેમના ચંદીગઢ નિવાસસ્થાને લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી નવ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે 12 વરિષ્ઠ અધિકારીઓ સામે માનસિક ઉત્પીડન અને જાતિય ભેદભાવના ગંભીર આરોપો લગાવ્યા હતા. પત્રમાં તેમણે કેટલાક અધિકારીઓ પર “અયોગ્ય નોટિસ જાહેર કરી તેમને હેરાન કરવાનો” અને “પોસ્ટિંગમાં જાતિય ભેદભાવ” થયો હોવાનો આરોપ મૂક્યો હતો.
પત્નીએ નોંધાવી ફરિયાદ, 13 અધિકારીઓ વિરૂદ્ધ કેસ
પૂરન કુમારની પત્ની IAS અધિકારી અમનીત પૂરન કુમારે 8 ઓક્ટોબરના રોજ રોહતક પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. તેમણે હરિયાણાના DGP શત્રુઘ્ન કપૂર, રોહતક SSP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પર ઉત્પીડન અને આપઘાત માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદના આધારે, પોલીસે 13 અધિકારીઓ સામે FIR નોંધી છે. અમનીતે તેમના પરિવારની સુરક્ષા, તેમના અધિકારોનું રક્ષણ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.
સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કર્યું
સોનિયા ગાંધીએ આ ઘટના મામલે શોક વ્યક્ત અમનીત પૂરન કુમારને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, પૂરણ કુમારનું મૃત્યુ યાદ અપાવે છે, આજે પમ આપણા સમાજમાં વરિષ્ઠ દલિત અધિકારીઓને સન્માન અને સમાનતા મળી રહી નથી. તેમની દેશભક્તિ અને સમર્પણ નવી પેઢીને પ્રેરણા આપશે.
કોંગ્રેસના નેતાઓ અને દલિત સંગઠનોનો વિરોધ
પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા, કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ આ ઘટનાને વહીવટી દમનનું પરિણામ ગણાવીને તાત્કાલિક ન્યાયની માગ કરી છે. રાજ્યભરના દલિત સંગઠનોએ તેમના વિરોધને વધુ તીવ્ર બનાવ્યો છે. સેંકડો વિરોધીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને DGP, SSP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
