દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025એ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસ પર જશે. આ એતિહાસિક યાત્રા માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય અને લગ્ઝરી ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે. આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી મથુરા સુધી દોડશે. ‘મહારાજા એક્સપ્રેસ’ની દુનિયાની સૌથી લગ્ઝરી ટ્રેનમાં ગણતરી થાય છે. સામાન્ય રીતે આ ટ્રેન IRCTC દ્વારા શિયાળામાં હાઈ-એન્ડ ટુરિસ્ટ્સ માટે સંચાલિત કરવામાં આવશે.

કેમ ખાસ છે ‘મહારાજા એક્સપ્રેસ’?
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિશેષ યાત્રા માટે 18 કોચની વિશેષ રેક તૈયાર કરવામાં આવે છે. જેમાં 12 કોચ મહારાજા એક્સપ્રેસના હશે. જેમાં રાષ્ટ્રપતિ સુટ, ડીલક્સ સુટ, રેસ્ટોરન્ટ, લાઉન્જ અને પાવર કાર સામેલ છે. રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફ માટે આ લગ્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સિવાય સિનિયર રેલવે અધિકારીઓ માટે બે સ્ટાન્ડર્ડ એસી કોચની પણ રેક જોડવામાં આવે છે. મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે 2 લોકોમોટિવ લગાવવામાં આવે છે. તેમાંથી એક મુખ્ય રીતે સંચાલન કરશે, જ્યારે બીજુ કોઈ ટેક્નિકલ સમસ્યાની સ્થિતિમાં તરત સેવા આપવા માટે સ્ટેન્ડબાય પર રહેશે. મળતી માહિતી મુજબ આ ટ્રેન ગુરૂવારે સવારે લગભગ 8 વાગ્યે નવી દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પહોંચશે. રાષ્ટ્રપતિ મુર્મૂ અહીં શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શન કરશે. ખાસ રીતે રાષ્ટ્રપતિ શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર મથુરામાં પણ પૂજા કરશે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર મથુરા જંક્શનની નજીક છે, તેથી રાષ્ટ્રપતિ સાંજે પરત ફરશે. ત્યાંથી વિશેષ ટ્રેનમાં સવાર થશે. આ યાત્રાને કોઈ મુશ્કેલી વગર પૂર્ણ કરવા માટે રેલવેએ વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી છે. વરિષ્ઠ અધિકારીઓ, સ્ટેશન માસ્ટર્સ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, GRP અને અન્ય સંબંધિત સ્ટાફને નિર્ધારિત ડ્યુટી સમય પર તૈનાત રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ અગાઉ પણ ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા છે. તેમને જૂન 2023માં ભુવનેશ્વરથી પોતાના ગૃહનગર રાયરંગપુર સુધી આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ વખતની યાત્રા પણ એક ઐતિહાસિક અવસર હશે, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ દેશની સૌથી આલીશાન ટ્રેનથી મથુરા-વૃંદાવનના દર્શન કરશે.

