વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન PM મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવારોનો પવિત્ર સમય પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.

પ્રાદેશિક સુરક્ષા અને હુમલાઓની નિંદા
વાતચીત દરમિયાન પ્રાદેશિક સુરક્ષાને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. PM મોદીએ પશ્ચિમ એશિયામાં મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને તેની સખત નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા હુમલાઓ માત્ર પ્રાદેશિક સ્થિરતા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન માટે પણ મોટો ખતરો સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વિશ્વભરમાં માલસામાનની અવરજવર પર માઠી અસર પડી શકે છે.
દરિયાઈ માર્ગોની સુરક્ષા પર ભાર
વૈશ્વિક વેપારના હિતમાં PM મોદીએ ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ એટલે કે દરિયાઈ માર્ગો પર મુક્ત અવરજવરની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે શિપિંગ લેન્સ એટલે કે દરિયાઈ વેપારના માર્ગો સુરક્ષિત અને ખુલ્લા રહે તે અત્યંત મહત્ત્વનું છે.
ભારતીય નાગરિકોની સુરક્ષા
આ વાતચીતમાં વડાપ્રધાને ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઈરાન સરકાર દ્વારા ભારતીય નાગરિકોની સલામતી માટે આપવામાં આવતા સતત સહયોગ અને સમર્થન બદલ તેમણે ઈરાનનો આભાર માન્યો હતો. આ ચર્ચા ભારત અને ઈરાન વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોને વધુ વેગ આપનારી સાબિત થશે.

