બિહારમાં મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ (ECI)ના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે પૂછ્યું હતું કે, ‘શું આ કવાયત પાછળનો છૂપો એજન્ડા લોકોની નાગરિકતા ચકાસવાનો હતો?’

‘સ્થળાંતર’ શબ્દના ઉપયોગ પર કોર્ટની ટિપ્પણી
સુનાવણી દરમિયાન જ્યારે ચૂંટણી પંચે વસ્તી વિષયક ફેરફાર અને સ્થળાંતરનો હવાલો આપ્યો, ત્યારે કોર્ટે ટિપ્પણી કરી કે, ‘એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું એ નાગરિકનો બંધારણીય અધિકાર છે. પંચની સૂચનામાં ‘ગેરકાયદે સ્થળાંતર’ કે ‘સરહદ પાર’ના સ્થળાંતરનો કોઈ ઉલ્લેખ નથી. જો આ માત્ર આંતર-રાજ્ય સ્થળાંતરનો મુદ્દો હોય, તો તેમાં ‘નાગરિકતા’ની તપાસ કરવાનો વિષય ક્યાંથી આવ્યો?’
ચૂંટણી પંચની દલીલ
ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2003 પછી બિહારમાં કોઈ પુનરાવર્તન થયું નથી. અત્યાર સુધી માત્ર ‘સ્વ-ઘોષણા’ના આધારે જ નામો નોંધાતા હતા. નાગરિકતા (સુધારા) કાયદા મુજબ હવે માતા-પિતાની નાગરિકતા જેવા કડક નિયમો છે, જેનું અમલીકરણ નવી મતદાર યાદીમાં જરૂરી હતું. શહેરીકરણને કારણે થયેલા ફેરફારોને ધ્યાને રાખી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે.’
66 લાખ નામો દૂર થયા: પીડિતો કોણ?
ચૂંટણી પંચે કોર્ટમાં એક મહત્ત્વનો આંકડો રજૂ કરતા જણાવ્યું કે, આ પ્રક્રિયા દરમિયાન બિહારની યાદીમાંથી 66 લાખ નામો દૂર કરવામાં આવ્યા છે. જો આ પ્રક્રિયા ગેરબંધારણીય હોત, તો જે 66 લાખ લોકોના નામ કટ થયા છે તેમાંથી કોઈએ કેમ ફરિયાદ ન કરી? અરજી કરનારાઓ માત્ર NGO (ADR, PUCL) અને રાજકારણીઓ છે, કોઈ પ્રત્યક્ષ અસરગ્રસ્ત વ્યક્તિ કોર્ટમાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના કાર્યની પ્રશંસા કરી કે અત્યાર સુધી કોઈ વ્યક્તિગત અપીલ આવી નથી, પરંતુ કોર્ટનો મુખ્ય હેતુ આ સુધારા પાછળની ‘માનસિકતા’ અને ‘કાનૂની અધિકારક્ષેત્ર’ તપાસવાનો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જાન્યુઆરી 2026 ના રોજ મુકરર કરવામાં આવી છે.
