NATIONAL : અદાણી જૂથને હિંડનબર્ગ કેસમાં SEBIની ક્લિનચીટ, ગેરરીતિના આરોપો પાયાવિહોણા

0
83
meetarticle

અમેરિકાના શોર્ટસેલર હિંડનબર્ગે ગૌતમ અદાણીની આગેવાનીના અદાણી  જૂથની સામે શેરોમાં ગેરરીતિ કરવાના અને શેલ કંપનીઓ રચીને લિસ્ટેડ કંપનીમાં નાણા ટ્રાન્સફર કરવાના આક્ષેપો કર્યા હતા તેને સેબીએ ફગાવી દીધા છે. સેબીએ બે જુદાં-જુદા આદેશમાં જણાવ્યું હતું કે તલસ્પર્શી તપાસના અંતે ઇનસાઇડર ટ્રેડિંગ, શેરોમાં ગેરરીતિ અને પબ્લિક શેરહોલ્ડિંગના ધારાધોરણોના ભંગના આરોપો પાયાવિહોણા હોવાનું જણાયું છે. તેથી અદાણી જૂથ કસૂરવાર ઠરતું નથી અને તેને કોઈ દંડ કરવાની પણ જરૂર નથી. 

હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં અદાણી જૂથ સામેના રિપોર્ટ દ્વારા આખા બજારને હચમચાવી નાખ્યું હતું. તેના રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એડીકોર્પ એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડ, માઇલસ્ટોન ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ અને રેહવર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડના રુટે અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓ અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડમાં નાણા ઠાલવ્યા હતા. અદાણી જૂથ પર શેલ કંપનીઓ થકી સંબંધિત પક્ષના વ્યવહારો છુપાવવાનો અને એકાઉન્ટિંગ અનિયમિતતાઓ, સ્ટોક મેનીપ્યુલેશનના  આરોપ મૂકવામાં આવ્યા હતા.સેબીના બોર્ડ મેમ્બર કમલેશ સી વાર્શનીએ જણાવ્યું હતું કે એડીકોર્પ, માઇલસ્ટોન ટ્રેડલિંક્સ અને રેહવર ઇન્ફ્રાસ્ટ્રકચર વચ્ચેના નાણાકીય વ્યવહારોમાં સેબીના કોઈપણ ડિસ્ક્લોઝર નોર્મ્સનો ભંગ થતો નથી. આ ફર્મ્સને રિલેટેડ પાર્ટીની વ્યાખ્યાની જોગવાઈઓ જ લાગુ પડતી નથી. આ ઉપરાંત રોકાણકારોને ગેરમાર્ગે દોરે તેવી કોઈપણ પ્રકારની સિક્યોરિટીઝ હસ્તગત કરાઈ નથી કે કંટ્રોલ કરાયો નથી. 

સેબીએ જણાવ્યું હતું કે તેણે હિંડનબર્ગના આક્ષેપોના પગલે અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, ગૌતમ અદાણી અને રાજેશ અદાણીની સામે તલસ્પર્શી ધોરણે તપાસ કરી હતી. આ તપાસમાં એવું કશું સાબિત થયું નથી કે તેમણે ક્યાંક કાયદાનો ભંગ કર્યો હોય કે કાયદાની છટકબારીનો લાભ લીધો હોય. તેની સાથે અદાણી જૂથે શેલ કંપનીઓના નાણાકીય વ્યવહારો છૂપાવ્યા હોવાની વિગતો પણ સેબીએ ફગાવી દીધી હતી. 

હિંડનબર્ગના  રિપોર્ટના કારણે અદાણી જૂથના શેરોમાં તીવ્ર વેચવાલી થઈ હતી અને એ સમયે જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન એક સમયે 150 અબજ ડોલરથી પણ વધુ મૂલ્ય ધરાવતુ હતુ, તે ટોચથી ૧૦૦ અબજ ડોલરથી વધુ ધોવાઈ ગયું હતું અને સુપ્રિમ કોર્ટે સેબીેને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોર્ટસેલર હિંડનબર્ગે તેના રિપોર્ટ વડે કેટલીય કંપનીઓના શટર પાડી દીધા હતા, પરંતુ અદાણીનું રિપોર્ટિંગ કર્યા પછી હિંડનબર્ગનું શટર પડી ગયું હતું. આ પણ અજબ સંયોગ છે. અદાણી જૂથ પહેલાં પણ હિંડનબર્ગના આરોપોને ફગાવી ચૂક્યું હતુ. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here