કૌલાલમ્પુરમાં મળી રહેલી આસીયાન દેશોની પરિષદ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક વિકાસ અને વૈશ્વિક પડકારો વિષે વ્યાપક મંત્રણા થઈ હતી. જોકે સોમવારે યોજાયેલી આ મંત્રણા દરમિયાન ભારત ઉપર ટ્રમ્પે લાદેલા ૨૫ ટકા વત્તા બીજા દંડાત્મક ૨૫ ટકા ટેરિફ વિષે ચર્ચા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગે જયશંકરે પ્લેટફોર્મ ”ટ” ઉપર લખ્યું હતું કે, રૂબિયોને મળી આનંદ થયો. આજે (સોમવારે) સવારે અમારી વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ વિષે ચર્ચા થઈ હતી.
આ બંને અગ્રણીઓ વચ્ચે આ મંત્રણા એવા સમયે યોજાઈ રહી છે કે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અંગે (ટેરિફ વિષે) સઘન ચર્ચા ચાલી રહી છે. નિરીક્ષકો કહે છે કે, બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની ચર્ચા બંને દેશો વચ્ચેના બૃહદ આર્થિક સંબંધો ઉપર પણ પડવાની પૂરી શક્યતા છે.
ગત સપ્તાહે કેન્દ્રના વ્યાપાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયેલે સ્પષ્ટત: જણાવ્યું હતું કે, ભારત ઉતાવળ કરી કોઈપણ વ્યાપાર કરારો કરશે નહીં કે જેની સાથે વેપાર કરે છે તેવા દેશની એવી કોઈપણ શરત સ્વીકારશે નહીં કે જેથી ભારતની વ્યાપાર નીતિને નુકસાન પહોંચે. પિયૂષ ગોયેલની આ સ્પષ્ટતા પણ એવા સમયે આવી છે કે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર વિષયક મંત્રણા ચાલી રહી છે. વિશેષત: ટેરિફ વિષે વિવાદ ચાલી રહ્યો છે.
જયશંકર અને માર્કો રૂબિયો વચ્ચેની મંત્રણાઓ ઉપરથી નિરીક્ષકો અનુમાન બાંધે છે કે, ટેરિફ અંગે પણ અમેરિકા ફરી વિચારશે કારણ કે તેને સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા જાળવવા માટે ભારતની જરૂર છે જ. સાથે તે વિષે પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે, ટેરિફ ઘટાડવા અંગે બંને વિદેશ મંત્રીઓની મંત્રણામાં કોઈ વાટાઘાટો થઈ હોવાનું સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. તો બીજી તરફ કેટલાકનું તેવું મંતવ્ય રહ્યું છે કે ભારતની અનિવાર્યતાને લીધે છેવટે ટ્રમ્પ થોડું નમતું જોખશે.

