અયોધ્યામાં રામ મંદિરના શિખર પર થનારા ધ્વજારોહણ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમારોહના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રહેશે, જેઓ આગામી 25 નવેમ્બરે રામ મંદિરના શિખર પર 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી ધ્વજા ફરકાવશે. આ સમારોહ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની જેમ જ ભવ્ય હશે અને તે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયાનું પ્રતિક ગણાશે.

ધ્વજારોહણમાં દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓનો જમાવડો
ધ્વજારોહણ કાર્યક્રમમાં અયોધ્યા ખાતે મોટી સંખ્યામાં વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડની મોટી હસ્તીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન વિશ્વના સૌથી મોટા સ્કાઉટ અને ગાઇડ જમ્બોરી માટે પ્રતિભાગીઓને આમંત્રણ આપશે, જ્યાં 35,000થી વધુ કેડેટ્સની ભાગીદારી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તેઓ વિકસિત ઉત્તરપ્રદેશ અભિયાનની સફળતાની સમીક્ષા પણ કરશે, જેના માટે 5 લાખથી વધુ સૂચનો અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે અને જેવરમાં નિર્માણાધીન નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ પણ કરશે.
ધ્વજા પર સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો હશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિના કહેવા મુજબ, વાલ્મીકિ રામાયણમાં વર્ણન કરાયેલા સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો ધરાવતી ભગવા રંગની ધ્વજા 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પરના 42 ફૂટ ઊંચા સ્તંભ પર ફરકાવવામાં આવશે. ગોવિંદ દેવ ગિરિએ વધુમાં જણાવ્યું કે પાંચ દિવસનો આ સમારોહ 21 નવેમ્બરથી શરૂ થશે અને 25 નવેમ્બરે ધ્વજારોહણ સાથે પૂર્ણ થશે
રામ મંદિર પરિસરના 7 દેવતાઓના મંદિરોમાં અનુષ્ઠાન
રામ મંદિર ટ્રસ્ટે આ આયોજન માટે મહેમાનોની સંખ્યા 8000થી વધારીને 10,000 કરી છે. ટ્રસ્ટના સભ્યએ માહિતી આપી કે ધ્વજારોહણ સમારોહ દરમિયાન રામ મંદિર સહિત પરિસરમાં આવેલા કુલ 8 મંદિરોમાં (જેમાં ભગવાન શિવ, ગણેશજી, ભગવાન સૂર્યનારાયણ, હનુમાનજી, માતા ભગવતી, માતા અન્નપૂર્ણા અને શેષાવતાર મંદિરનો સમાવેશ થાય છે) વિશેષ પૂજા-અર્ચના, હવન અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે. આ તમામ મંદિરો પર પણ ધ્વજારોહણ કરાશે.
60 કિમી/કલાકના પવનમાં પણ ધ્વજા સુરક્ષિત
અનુષ્ઠાન અયોધ્યા અને કાશીના આચાર્યો દ્વારા સંપન્ન કરાશે. રામ મંદિરના શિખર પરનો ધ્વજા-સ્તંભ 360 ડિગ્રી ફરતા બોલ-બેરિંગ પર આધારિત છે, જેથી ધ્વજા 60 કિમી/કલાક સુધીના તેજ પવનને સહન કરી શકે અને વાવાઝોડામાં સુરક્ષિત રહેશે. ધ્વજા માટેના કપડાની ગુણવત્તા અને વાવાઝોડા સામેની ક્ષમતાની તપાસ ચાલુ છે. તેમજ ધ્વજા બનાવતી એજન્સી 28 ઓક્ટોબરે ભવન નિર્માણ સમિતિની બેઠકમાં ટેસ્ટ રિપોર્ટ આપશે, જેના આધારે કપડાની અંતિમ પસંદગી થશે.

