NATIONAL : આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો

0
51
meetarticle

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી બેબી રાની મૌર્ય શુક્રવારે (24મી ઓક્ટોબર) મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર કાઠફોરી ગામ નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં મંત્રી બેબી રાની મૌર્ય સુરક્ષિત રહ્યા હતા.

ડાયવર્ઝન પર સાઇનબોર્ડના અભાવે અકસ્માત

અહેવાલો અનુસાર, મંત્રી બેબી રાની મૌર્ય લખનઉ તરફ જઈ રહ્યા હતા. એક્સપ્રેસ વે પર ચાલી રહેલા બાંધકામના કામને કારણે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જો કે, આ ડાયવર્ઝન પર કોઈ સ્પષ્ટ સાઇનબોર્ડ કે માર્કિંગ નહોતું. ડાયવર્ઝન પર સાઇનબોર્ડના અભાવે મંત્રીની કારનો ડ્રાઈવર કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે કાર રસ્તા પરથી લપસી ગઈ અને ત્યાં ઉભેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત બાદ મંત્રીનો કાફલો એક્સપ્રેસ વે પર રોકાઈ ગયો હતો, જેના પગલે વહીવટી અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મંત્રીએ UPEIDA અધિકારીઓ પર વ્યક્ત કરી નારાજગી

ઘટનાની જાણ થતાં જ સિરસાગંજના સર્કલ ઓફિસર (CO) પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મંત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરી. પોલીસે તાત્કાલિક ટ્રાફિકનું નિયમન કર્યું અને મંત્રીને બીજા વાહનમાં બેસાડીને લખનઉ રવાના કર્યા હતા.

આ અકસ્માત બાદ મંત્રી બેબી રાની મૌર્યએ ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના અધિકારીઓ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપ્રેસવે પર સ્પષ્ટ ડાયવર્ઝન માર્કિંગનો અભાવ એક ગંભીર બેદરકારી છે, જેના કારણે કોઈ મોટો જાનહાનિનો અકસ્માત થઈ શક્યો હોત. મંત્રીએ ઘટનાસ્થળે હાજર અધિકારીઓને કડક ઠપકો આપ્યો અને આ બેદરકારી માટે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here