ઉત્તર પ્રદેશના ફતેહાબાદ ટોલ ટેક્સ કર્મચારીઓએ દિવાળી બોનસ રૂ.1100 મળતા નારાજ થઈને ટોલ ગેટ ખોલી નાખ્યા હતા. જેના કારણે ધનતેરસના દિવસે, આગ્રામાં લખનઉ એક્સપ્રેસ વે પરથી હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા. ટોલ ગેટ ખોલીને, કર્મચારીઓએ ઓછા બોનસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે તેઓએ તેમના મેનેજર પાસે દિવાળી બોનસ માંગ્યું, ત્યારે મેનેજરે તેમની અવગણના કરી હોવાથી કર્મચારીઓએ આ પગલું ભર્યું.

ટોલ કંપનીને લગભગ 25 થી 30 લાખ રૂપિયાનો નુકસાન
દિવાળીનો બોનસ ઓછો મળતાં ફતેહાબાદ ટોલ ટેક્સના કર્મચારીઓ નારાજ હતા. તેમણે શનિવારે રાતે ટોલના ગેટ ખોલી નાખ્યાં. આથી ટોલ કંપનીને લગભગ 25 થી 30 લાખ રૂપિયાનો નુકસાન થયું છે, કેમ કે લગભગ 2 કલાક સુધી ટોલ ટેક્સના કામમાં વિક્ષેપ પડ્યો હતો. મેનેજરે પહેલાં કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ, તેમણે પોલીસના હસ્તક્ષેપથી મામલો થાળે પાડ્યો.
રૂ.1100 બોનસ મળતાં કર્મચારી ગુસ્સે થયા
ફતેહાબાદ ટોલ પ્લાઝા શ્રી સૈન એન્ડ દાતાર દ્વારા સંચાલિત છે, જે માર્ચ 2025થી કાર્યરત છે. કંપનીએ કર્મચારીઓને દિવાળી માટે માત્ર રૂ.1100 બોનસ આપ્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે એક વર્ષની મહેનત પછી આટલું ઓછું બોનસ મળવું અપમાનજનક છે. કંપનીએ માર્ચમાં કોન્ટ્રાક્ટ સંભાળ્યો ત્યારથી અમે ત્યાં કામ કરી રહ્યા છીએ, તો અડધા વર્ષના વિલંબને કારણે તેમને ઓછું બોનસ કેવી રીતે આપી શકાય? કર્મચારીઓ સવારની શિફ્ટ માટે આવતાની સાથે જ તેઓએ વિરોધમાં કામ બંધ કરી દીધું અને દરવાજા ખોલી નાખ્યા. થોડીવારમાં જ લાંબી કતારમાં વાહનો અટક્યા વિના પસાર થવા લાગ્યા. ટોલ બૂથ પર એક પણ ટોલ વસૂલવામાં આવ્યો ન હતો.
કંપનીની દલીલ અને કર્મચારીઓનો આગ્રહ
કંપનીએ જણાવ્યું હતું કે તેમણે માર્ચ 2025 સુધી કરાર કર્યો હતો, તેથી આખા વર્ષનું બોનસ ચૂકવવું વ્યવહારુ નહોતું. પરંપરા જાળવી રાખવા માટે રૂ. 1100નું બોનસ આપવામાં આવ્યું હતું. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે અમે એક વર્ષથી અહીં જ નોકરી કરી રહ્યા છીએ, તેથી અમને આખા વર્ષનું બોનસ મળવું જોઈએ. વિવાદ વધતો જોઈને, કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કર્મચારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આખરે, વાટાઘાટો 10% પગાર વધારા સાથે પૂર્ણ થઈ અને આગામી બોનસ વિતરણ દરમિયાન તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. આ ખાતરી બાદ, કર્મચારીઓ નમ્ર બન્યા અને બે કલાક પછી ટોલ કામગીરી ફરી શરૂ થઈ.
