બિહારમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીની તાજપોશી થવા જઇ રહી છે. જદ(યુ)ના વડા નિતિશ કુમાર ગુરુવારે મુખ્યમંત્રીના પદે શપથ ગ્રહમ કરશે. આ સાથે જ સતત ૧૦મી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળીને નિતિશ કુમાર એક રેકોર્ડ પણ સ્થાપવા જઇ રહ્યા છે. પટણાના પ્રખ્યાત ગાંધી મેદાનમાં નિતિશ કુમારની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એનડીએના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.


પટણાના પ્રખ્યાત ગાંધી મેદાનમાં મુખ્ય સ્ટેજની સાથે વીઆઇપી મહેમાનો માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરાયા છે. નિયમો મુજબ નિતિશ કુમારે વર્તમાન મુખ્યમંત્રીનું પદ છોડવા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામુ સોંપી દીધુ હતું. આ દરમિયાન તેમની સાથે એલજેપીના વડા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, આરએલએમના વડા ઉપેન્દ્ર કુશવાહા, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. રાજીનામાની સાથે હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થનપત્ર પણ રાજ્યપાલને સોંપ્યું હતું અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ૨૦ નવેમ્બરના નિતિશ કુમાર ૧૦મી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળવા જઇ રહ્યા છે, અગાઉ નિતિશ કુમાર ચાર વખત નવેમ્બર મહિનામાં જ આ પદ સંભાળી ચુક્યા છે. આ સાથે જ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા અગાઉની જેમ ઉપમુખ્યમંત્રીનું પદ જાળવી રાખે તેવી શક્યતાઓ છે. બિહારની વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નિતિશ કુમારે કહ્યું હતું કે તમામ જગ્યાએથી ફાયદો થઇ રહ્યો છે, બિહાર હાલ કરતા વધુ પ્રગતિ કરશે, આ પહેલા જે લોકો સત્તામાં હતા તેમણે કોઇ કામ કર્યું શું? ૨૦૦૫થી અમે સત્તા સંભાળી ત્યારથી જ બિહારમાં વિકાસનું કામ શરૂ થયું છે. આ વખતે વધારે વિકાસ થશે. બીજી તરફ એવા અહેવાલો છે કે નિતિશ કુમારની સાથે ૧૮ મંત્રીઓ પણ શપણ લઇ શકે છે. એવા દાવા થઇ રહ્યા છેકે નિતિશ સરકારમાં જુના મંત્રીઓને જ રિપીટ કરવામાં આવી શકે છે. ત્રણ મહિલાઓ પણ મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે.

