શું તમે ડિસેમ્બરમાં ઉત્તરાખંડની સુંદરતા નિહાળવાની યોજના બનાવી રહ્યા છો. તો ડિસેમ્બર-2025થી ઉત્તરાખંડમાંથી પ્રવેશ કરનારા બીજા રાજ્યોના વાહનો પાસેથી ગ્રીન સેસ વસૂલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, બાહ્ય વાહનોના રાજ્યમાં એન્ટ્રી પર ગ્રીન સેસ અનિવાર્ય હશે.
પરિવહન વિભાગના ઉચ્ચ આયુક્ત એસ.કે. સિંહ વિશે માહિતી આપતાં કહ્યું કે ડિસેમ્બર, 2025થી ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં બીજા રાજ્યોના વાહનો પાસેથી ગ્રીન સેસ વસૂલવામાં આવશે. વાહનો પર લાગેલા ફાસ્ટેગથી ઓટોમેટિક ચાર્જ કપાશે. ગ્રીન સેસની વસૂલાતની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખવા માટે રાજ્યની સરહદો પર 16 સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ સરકારનો અંદાજ છે કે, આ ગ્રીન સેસ મારફત દરવર્ષે આશરે 100થી રૂ. 150 કરોડ સુધીની આવક મળશે. પરિવહન વિભાગે આ વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે એક ખાનગી કંપની સાથે કરાર કર્યો છે. ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરા ગઢવાલ અને કુમાઉ મંડળની સરહદો પર લગાવવામાં આવ્યા છે. જેમાં કુલ્હાલ, આશારોડી, નારસન, ચિડિયાપુર, ખટીમા, કાશીપુર, જસપુર, અને રૂદ્રપુર જેવા પ્રમુખ બોર્ડર પોઈન્ટ સામેલ છે.
સરકારી આદેશમાં બાહ્ય રાજ્યોમાંથી આવતાં વાહનો પર ગ્રીન સેસ લગાવવાની જાણકારી આપી છે. જો કે, તેમાં અમુક વાહનોને છૂટ આપી છે. જેમાં ટુવ્હિલર્સ, ઈલેક્ટ્રિક અને સીએનજી વાહન, સરકારી વાહન, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સામેલ છે. તેની સાથે જો કોઈ વાહન 24 કલાકની અંદર ફરી રાજ્યમાં પ્રવેશ કરે છે, તો તેણે ફરી ગ્રીન સેસ ચૂકવવો પડશે નહીં.
ગ્રીન સેસ મારફત એકત્ર કરવામાં આવેલી રકમ એર પોલ્યુશન કંટ્રોલ, માર્ગ સુરક્ષા સુધાર અને શહેરી પરિવહન વિકાસ માટે ઉપયોગમાં લેવાશે. જુદા-જુદા વાહનો પર નિશ્ચિત કરવામાં આવેલા ગ્રીન સેસ મુજબ કાર પર રૂ. 80, ડિલિવરી વાન પર રૂ. 250, ભારે વાહનો પર રૂ. 120, બસ પર રૂ. 140 અને ટ્રક સાઈઝના વાહનો પર રૂ. 140થી માંડી રૂ. 700 સુધી પ્રતિદિન સેસ વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે, ગતવર્ષે 2024માં પણ ઉત્તરાખંડ સરકારે ગ્રીન સેસ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમાં ચાર્જ નક્કી કરવામાં સમય થતાં તેને લાગુ કરવામાં વિલંબ થયો હતો. હવે સરકારે આ વ્યવસ્થા પૂરજોશમાં લાગુ કરી છે.

