કાનપુર દેહાતમાં આયોજિત એક સરકારી બેઠકમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ દેવેન્દ્ર સિંહ ‘ભોલે’ અને રાજ્ય મંત્રી પ્રતિભા શુક્લાના પતિ તથા પૂર્વ સાંસદ અનિલ શુક્લા વારસી વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ વિવાદ દિશા સમિતિની બેઠક દરમિયાન થયો હતો, જ્યાં બંને નેતાઓએ સ્થાનિક રાજકીય મુદ્દાઓને લઈને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કપિલ સિંહ અને પોલીસ અધિક્ષક (SP) શ્રદ્ધા નરેન્દ્ર પાંડેને હસ્તક્ષેપ કરવો પડ્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે બેઠકને વચ્ચેથી જ મોકૂફ રાખવી પડી.
દેવેન્દ્ર સિંહે કહ્યું, ‘સૌથી મોટો ગુંડો હું છું’
આ દલીલ દરમિયાન, સાંસદ દેવેન્દ્ર સિંહે રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જાહેર કર્યું કે, ‘જો ગુંડાઓની વાત થતી હોય, તો મારાથી મોટો ગુંડો કોઈ નથી, હું કાનપુર દેહાતનો સૌથી મોટો હિસ્ટ્રીશીટર છું.’ વળતા પ્રહારમાં, પૂર્વ સાંસદ અનિલ શુક્લા વારસીએ ભાજપના નેતા પર આરોપ લગાવ્યો કે તેમણે સ્થાનિક લોકોને હેરાન કરનારા અને ફેક્ટરી માલિકો પાસેથી વસૂલી કરતા ‘અસામાજિક તત્વો’ને દિશા સમિતિની બેઠકમાં સામેલ કર્યા છે. જવાબમાં, સાંસદે કહ્યું કે ‘દરેક ચૂંટણીમાં તે આવો જ ડ્રામા કરે છે. મને ગુંડો કહેવામાં આવ્યો, પણ હું 50 વર્ષથી રાજકારણમાં છું. આ લોકો જ જિલ્લાનું વાતાવરણ બગાડી રહ્યા છે. તમે સંતોષ શુક્લાની હત્યામાં સામેલ વિકાસ દુબેના ભાઈ સાથે ફરો છો અને બીજાને ગુંડો કહો છો?’ યાદવે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, ‘પૂર્વના હાથમાં કટોરો છે અને વર્તમાનના હિસ્સામાં મલાઈ છે, આ ઝઘડો બીજું કંઈ નહીં પણ વહેંચણીની લડાઈ છે. ભાજપ જાય તો વિકાસ આવે!’
આ હોબાળા દરમિયાન સપાના જિલ્લા અધ્યક્ષ અરુણ કુમાર ઉર્ફ ‘બબલૂ રાજા’એ કટાક્ષ કરતા કહ્યું, ‘ડબલ એન્જિનવાળી સરકારના બે એન્જિન જ એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. જેઓ ક્યારેક બીજા પર ગુંડા રાજનો આરોપ લગાવતા હતા, તે હવે પોતે જ અંદરોઅંદર લડી રહ્યા છે. તે શું વિકાસ લાવશે?’

