કેરળમાં એક મહિલાના શરીરમાંથી ભૂત કાઢવા માટે તાંત્રિક દ્વારા ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી તાંત્રિકની ધરપકડ કરી લેવામાં આવી છે.
21 સદીમાં કાળા જાદૂ અને ભૂતપ્રેતની વાતો પર વિશ્વાસ કરનારા લોકો પણ હયાત છે. જોકે, વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા લોકો આવી વાતો પર વિશ્વાસ કરતા નથી. તેમ છતા પણ છાસવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. કેરળમાં એક મહિલાના શરીરમાંથી ભૂત કાઢવા માટે તાંત્રિક દ્વારા ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી તાંત્રિકની ધરપકડ કરી લેવામાં આવી છે.
કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ભૂત કાઢવાના નામે તાંત્રિક દ્વારા એક મહિલાને અમાનવીય યાતનાઓ આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તાંત્રિકે મહિલાને દારૂ અને બીડી પીવા માટે મજબૂર કરી હતી. આ સાથે આ મહિલાને કલાકો સુધી અમાનવીય યાતનાઓ આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તાંત્રિકની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીનો પરિવાર ગત અઠવાડિયે એક તાંત્રિકને પોતાના ઘરે લાવ્યો હતો. આ તાંત્રિકનો ઉદ્દેશ્ય યુવતિના શરીરમાંથી ભૂત કાઢવાનો હતો. આ માટે તાંત્રિક દ્વારા મહિલાને શારિરીક યાતનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન મહિલાની માનસિક સ્થિતિ બગડવાને કારણે મહિલાના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે 54 વર્ષીય તાંત્રિક શિવદાસ અને મહિલાના સાથી 26 વર્ષીય અખીલ દાસ અને તેના પિતા દાસની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાથીની માતાએ જાદૂગરને બોલાવ્યો હતો અને કાળા જાદૂની વ્યવસ્થા કરી આપી હતી. આ જાદૂગરે તેમને જણાવ્યું કે, મહિલાના શરીરમાં તેમના મૃત પૂર્વજોની આત્માઓએ પ્રવેશ કર્યો છે. મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, કાળા જાદૂની વિધિ સવારે 11 કલાકે શરૂ થઈ હતી. જે મોડી રાત સુધી ચાલી હતી, અને અંતમાં તે બોભાન થઈ ગઈ હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, વિધિ દરમિયાન તેને દારૂ અને બીડી પીવડાવવામાં આવી હતી. આ ઉપરાંત તેને પવિત્ર રાખ પણ પીવા મજબૂર કરી હતી. આ દરમિયાન તેને ડામ આપવા સહિતની અન્ય પ્રકારની શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ મુખ્ય આરોપી તાંત્રિક પોતાનો ફોન બંધ કરીને છૂપાઈ ગયો હતો. જેને તિરુવલ્લાના મુથુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જોકે, સહ આરોપી, સાથીની માતા ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓ હાલ જ્યુડિસિયલ કસ્ટડીમાં છે.

