પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા સામે ચેતવણી આપી હોવા છતાં એપલથી લઈને ગૂગલ જેવી મોટી અને નાની ટેક કંપનીઓએ ભારતમાં રોકાણ વધાર્યું છે. આવી જ એક પહેલના ભાગરૂપે અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે મંગળવારે ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૧૫ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧.૩૩ લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગૂગલ અદાણી ગૂ્રપ સાથે ભાગીદારીમાં અમેરિકાની બહાર આંધ્ર પ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું એઆઈ હબ બનાવશે.ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ મંગળવારે દિલ્હીમાં આયોજિત ભારત એઆઈ શક્તિ મેગા ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું વિશાળ હબ બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં ૧૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૧.૩૩ લાખ કરોડ)નું રોકાણ કરશે. ગૂગલ અદાણી ગૂ્રપ સાથે ભાગીદારીમાં ૧ ગીગાવોટના ડેટા સેન્ટર સહિત એઆઈ આંતરરાષ્ટ્રીય ડેટા હબ બનાવશે, જેનાથી આંધ્ર પ્રદેશમાં પ્રત્યક્ષ ૬,૦૦૦ સુધી અને પરોક્ષ રીતે ૩૦,૦૦૦ સુધીની રોજગારી ઊભી થઈ શકે છે.

પિચાઈએ કહ્યું, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાત કરી છે અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમનું પહેલું એઆઈ હબ બનાવવા માટે અમેરિકન ટેક્નોલોજી દિગ્ગજની યોજના જણાવી હતી. વિશાખાપટ્ટનમમાં બનનારું વિશાળ ડેટા સેન્ટર અને એઆઈ બેઝ સ્વચ્છ ઊર્જા અને ફાઈબર ઓપ્ટિક નેટવર્કથી સંચાલિત હશે. આ ડેટા સેન્ટર ભારતમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સોલ્યુશન્સ અને એઆઈ મોડેલ્સના વિકાસમાં ગતિ લાવશે. ભારત માત્ર ગ્રાહક નહીં, એઆઈ ઈનોવેશનનું જનરેટર બની રહ્યું છે.
અદાણી ગૂ્રપના ગૌતમ અદાણીએ જણાવ્યું કે, તેમની કંપની અદાણીકોનેક્સ ભારતની બીજા ક્રમની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર ભારતી એરટેલ સાથે મળીને આ પ્રોજેક્ટ પર ગૂગલ સાથે ભાગીદારી કરશે. ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું કે, આ સૌથી મોટું એઆઈ હબ હશે, જેમાં અમે અમેરિકાની બહાર જંગી રોકાણ કરી રહ્યા છીએ. ગૂગલ છેલ્લા ૨૧ વર્ષથી ભારતમાં કામ કરી રહી છે. આજે ૧૪,૦૦૦થી વધુ ભારતીયો ગૂગલ સાથે જોડાયા છે. ગૂગલની પાંચ એઆઈ લેબ અગાઉથી જ ભારતમાં એક્ટિવ છે.
ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ પર લખ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું. અમે વિશાખાપટ્ટનમમાં પહેલા ગૂગલ એઆઈ કેન્દ્ર માટે પોતાની યોજનાઓ અંગે વિગતે વાત કરી હતી, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ કેન્દ્ર ગીગાવોટ સ્તરીય કમ્પ્યુટિંગ ક્ષમતા, એક નવું આંતરરાષ્ટ્રીય સબ-સી ગેટવે અને વિશાળ ઊર્જા ઈનોવેશન સાથે લાવે છે. તેના માધ્યમથી અમે પોતાની ઔદ્યોગિક અગ્રણી ટેક્નોલોજીને ભારતના ઉદ્યોગો અને વપરાશકારો સુધી પહોંચાડીશું, જેથી એઆઈ ઈનોવેશનમાં ગતિ આવશે અને દેશભરમાં વિકાસને ગતિ મળશે.
નવી દિલ્હીમાં ભારત એઆઈ શક્તિ મેગા ઈવેન્ટમાં ભારત સરકારના અનેક દિગ્ગજ મંત્રીઓ મંચ પર હાજર હતા, જેમાં નાણામંત્રી નિર્મલા સિતારામન, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર તથા રાજ્યના આઈટી મંત્રી નારા લોકેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

