ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલતા મદરેસા પર પ્રશાસન દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મદરેસાના ટોઇલેટમાંથી ૪૦ જેટલી સગીરાઓ મળી આવી હતી. જેમની ઉંમર આશરે ૯થી ૧૪ વર્ષની છે. અધિકારીઓએ મહિલા પોલીસની મદદથી તમામ સગીરાઓને પરિવારને સોંપી દીધી હતી. જ્યારે મદરેસાને સીલ કરી દેવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પહલવારા ગામમાં ત્રણ માળનું મદરેસા ચાલતું હતું. આ મદરેસાનું રજિસ્ટ્રેસન નહોતુ કરાવવામાં આવ્યું. પ્રયાગપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અશ્વિની કુમાર પાંડેએ કહ્યું હતું કે પ્રશાસનને આ ઇસ્લામિક સંસ્થા અંગે ફરિયાદ મળી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે જ્યારે અમારી ટીમ બિલ્ડિંગની તપાસ માટે ગઇ તો મદરેસાના સંચાલકોએ અન્ય માળ પર જવાની ના પાડી હતી. જોકે બાદમાં પોલીસની મદદથી પ્રવેશ કરાયો હતો, ટોઇલેટની તપાસ કરતા અનેક સગીરાઓ મળી આવી હતી. તમામ સગીરાઓ ટોઇલેટમાં છુપાઇ ગઇ હતી.
જિલ્લા લઘુમતી વેલફેર ઓફિસર મોહમ્મદ ખાલીદે કહ્યું હતું કે બહરાઇચમાં ૨૦૨૩ના સરવેમાં સામે આવ્યું કે ૪૯૫ મદરેસા રજિસ્ટ્રેશન વગર ચાલે છે. હાલ આ મદરેસાની તપાસ કરાઇ તેનું પણ રજિસ્ટ્રેશન નહોતુ થયું. જોકે સગીરાઓ ટોઇલેટમાં કેમ પુરાયેલી હતી તેના સવાલના જવાબમાં શિક્ષકોએ કહ્યું હતું કે અચાનક પોલીસ કાફલો આવ્યો જેને કારણે ડરીને તમામ સગીરાઓએ પોતાને ટોઇલેટમાં બંધ કરી લીધી હતી. તમામ સગીરાઓને તેમના ઘરે પહોંચતી કરી દેવા મેનેજમેન્ટને કહેવામાં આવ્યું હતું, હાલ આ મામલે કોઇ ફરિયાદ દાખલ નથી થઇ.

