પર્યટન રાજ્ય ગોવાની એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેને કારણે ક્લબના સ્ટાફના ૧૪ લોકો સહિત કુલ ૨૫ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, કોઈ બ્લાસ્ટ નહીં પરંતુ ક્લબની અંદર ચાલતા ફાયરવર્ક્સના કારણે આગ લાગી હતી. તેમણે આ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. જોકે, ક્લબ કલ્ચર માટે વિશ્વ વિખ્યાત ગોવામાં આ દુર્ઘટનાએ નાઇટ ક્લબો સહિતના પર્યટન સ્થળોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.ઉત્તર ગોવાના અર્પોરા વિસ્તારમાં આવેલા બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ડાંસ ચાલી રહ્યો હતો, મ્યૂઝિક પાર્ટી થઇ રહી હતી. એવામાં અચાનક ઉપર આગ લાગી હતી. સમગ્ર નાઇટ ક્લબ પેક હતું જેને કારણે મોટાભાગના લોકોના મોત ગુંગળામણને કારણે થયા હતા. માર્યા ગયેલામાં મોટાભાગના સ્ટાફના લોકો, ચાર પર્યટકોનો સમાવેશ થાય છે જ્યારે સાત લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નાઇટ ક્લબ ગેરકાયદે ચાલતું હતું, દારુ વેચવાથી લઇને કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ક્લબને ટ્રેડ લાઇસેંસ આપનારા સ્થાનિક સરપંચ રોશન રેડકરની અટકાયત કરાઇ છે.

ગોવા પોલીસનો દાવો છે કે સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી, જ્યારે સાક્ષીઓનું કહેવુ છે કે ક્લબમાં લોકો ડાંસ કરી રહ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે પ્રથમ માળે આગ લાગી હતી, ચાલવાનો મુખ્ય રસ્તો અને દરવાજો અત્યંત સાંકડો હોવાને કારણે ગ્રાહકો ફસાઇ ગયા અને બહાર ના નીકળી શક્યા. મોટાભાગના લોકો ગુંગળામણને કારણે માર્યા ગયા હતા. ઘટનાને જોનારી દિલ્હીની પર્યટક રીયાએ કહ્યું હતું કે ફટાકડા ફુટી રહ્યા હતા જે બાદ આગ લાગી ગઇ, ક્લબમાં નાસભાગ જેવી સ્થિતિ હતી. ડાંસ ચાલી રહ્યો હતો તે રૂમમાં ૧૦૦થી વધુ લોકો ઘટના સમયે હાજર હતા. બચવા માટે તમામ લોકો નીચે જવા લાગ્યા અને કિચનમાં પહોંચી ગયા જ્યાં તેઓ ફસાઇ ગયા હતા, આ દાવો ઘટનાને નિહાળનારી હૈદરાબાદની ફાતિમા શેખે કર્યો હતો. ૩૧મી તારીખે નવા વર્ષના વધામણા માટે ગોવામાં બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, એવામાં આ ઘટનાએ લોકોની સુરક્ષાને લઇને અનેક સવાલો પણ ઉભા કર્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે જ માર્યા ગયેલા લોકોના પરિવાર માટે વડાપ્રધાન નેશનલ રીલિફ ફંડમાંથી બે લાખ રૂપિયા જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની જાહેરાત કરાઇ હતી. હાલમાં ક્લબના ચાર કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લબના મુખ્ય જનરલ મેનેજર, જનરલ મેનેજર, બાર મેનેજર, ગેટ મેનેજરનો સમાવેશ થાય છે. જ્યારે ક્લબના માલિકો હજુ પણ ફરાર છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો પ્રશાસને કર્યો હતો.
– મૃતદેહો ઘરે લઇ જવા રૂપિયા નથી : મૃત મજૂરોનો પરિવાર
પણજી: ગોવાની નાઇટ ક્લબમાં જે પણ લોકો માર્યા ગયા તેમાં ૧૪ જેટલા મજૂરોનો સમાવેશ થાય છે. મહિને ૧૫થી ૨૫ હજાર રૂપિયામાં ગુજરાન ચલાવનારા આ મજૂરોનો પરિવાર હોસ્પિટલની બહાર બેઠી રહ્યો, જ્યારે જમીન પર આ મજૂરોના મૃતદેહ પડયા હતા. પરિવારે આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે ગોવામાં અમારુ કોઇ નથી, ઘર પણ નથી. મૃતદેહોને ગામડે લઇ જવા માટે રૂપિયા નથી. આ નાઇટ ક્લબમાં રસોઇયા તરીકે કામ કરતા ઉત્તરાખંડના ૨૪ વર્ષીય જિતેન્દ્ર રાવત, ઝારખંડ, નેપાળ, આસામ સહિતના કેટલાક રાજ્યોથી આ મજૂરો રોજીરોટી માટે ગોવા આવ્યા હતા. કેટલાક ખેડૂતોના પુત્રો તો કેટલાક ખેત મજૂરોના સંતાનો હતા.

