દેશભરમાં વધતા ડિજિટલ એરેસ્ટ સ્કેમને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા જતાવી છે. કોર્ટે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ જાહેર કરતા સાઇબર એરેસ્ટના મામલાની સમગ્ર જાણકારી માગી છે. આ મામલાની આગળની સુનાવણી 3 નવેમ્બરે થશે.
દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ ઘોટાળા પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ કે આ મામલાની તપાસ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)ને સોંપવામાં આવી શકે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાય મૂર્તિ જોયમલ્યા બાગચીની પીઠે આ ટિપ્પણી કરતા દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ પ્રકારના મામલામાં દાખલ કરવામાં આવેલી FIRની જાણકારી માંગી છે.

કોર્ટે કહ્યું કે આ ગુનાઓની વ્યાપકતા અને દેશવ્યાપી નેટવર્કને જોતા હવે તપાસનો વિસ્તાર CBIના સ્તરે કરવો જરૂરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે આ સાયબર ગુનાઓની મૂળ કડીઓ મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા વિદેશી ઠેકાણાઓ સુધી પહોંચે છે. કોર્ટએ CBIને આદેશ આપ્યો કે તે આવા કેસોની તપાસ માટે એક મજબૂત કાર્યયોજનાની તૈયારી કરે અને તે અદાલત સમક્ષ રજૂ કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું, કે અમે CBIની તપાસની પ્રગતિની દેખરેખ રાખીશું અને જરૂરી હોય ત્યારે વધુ સૂચનાઓ પણ આપીશું” સાથે જ કોર્ટએ એજન્સીને પૂછ્યું કે શું તેમને આ કેસોની તપાસ માટે વધારાના સાધનો અથવા નિષ્ણાતોની જરૂર છે.
સર્વોચ્ચ અદાલતે યાદ અપાવ્યું કે તેણે 17 ઑક્ટોબરના રોજ ડિજિટલ ધરપકડના નામે થતી ઑનલાઇન છેતરપિંડી પર સ્વયંસંજ્ઞાન લીધું હતું. કોર્ટે કહ્યું કે આવા ગુનાઓ જનતાના ન્યાય વ્યવસ્થા પર કરેલા વિશ્વાસના મૂળ પર વાર કરે છે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે હરિયાણાના અંબાલામાં એક વરિષ્ઠ નાગરિક દંપતીને ખોટા ન્યાયિક આદેશ બતાવીને 1.05 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરવામાં આવી. કોર્ટએ કહ્યું કે આ સામાન્ય ગુનો નથી, પરંતુ એક સંગઠિત નેટવર્ક છે, જેના વિરુદ્ધ રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે સંકલિત કાર્યવાહી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની આગામી સુનાવણી 3 નવેમ્બરના રોજ કરશે.

