તમિલનાડુના કરુરમાં TVKની રેલીમાં ભારે અફરાતફરીના કારણે નાસભાગ સર્જાઈ હતી. ભારે ધક્કામુક્કીના કારણે રેલી દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા. જેમને તાત્કાલિક સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા હતા. રેલીમાં આવેલા નાના બાળકોની તબિયત પણ લથડી હતી. આ દુર્ઘટનામાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. હાલમાં હોસ્પિટલમાં 95 લોકોની સારવાર ચાલી રહી છે. ખુદ આ મામલે મુખ્યમંત્રી સ્ટાલિન સક્રિય થયા છે.
કરુરમાં નાસભાગની દુર્ઘટનાનો મૃત્યુઆંક હવે 39 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી ડીએમકે સ્ટાલિને નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે. દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે નાસભાગમાં ઈજાગ્રસ્ત 95 લોકોને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી સ્તાલિને આપેલી માહિતી અનુસાર કરુર નાસભાગમાં કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં આઠ બાળકો અને 16 મહિલાઓના મોત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી તથા રાજ્યપાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રાલયે દુર્ઘટનાનો રિપોર્ટ પણ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો છે.
નાસભાગ બાદ 45થી વધુ સારવાર હેઠળ: આરોગ્ય મંત્રી
તમિલનાડુના આરોગ્ય મંત્રીએ સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે 29 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 45થી વધુ હાલ સારવાર હેઠળ છે.
મોતનો આંકડો વધીને 29 પહોંચ્યો
તમિલનાડુના વિપક્ષના નેતા પલાનીસ્વામીએ પોસ્ટ કરી કરુર નાસભાગમાં 29 લોકોની આશંકા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે શોક વ્યક્ત કર્યો તથા AIADMKના નેતાઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં મદદ માટે પહોંચવા સૂચન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી તમિલનાડુ નાસભાગની દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી આવતીકાલે કરુરની મુલાકાત લે તેવી શક્યતા
કરુર જિલ્લામાં એક્ટર વિજયની રેલીમાં થયેલી નાસભાગમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આવતીકાલે તમિલનાડુના મુખ્યમંત્રી ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચે તેવી શક્યતા છે.
નાસભાગમાં મોતનો આંકડો વધીને 20ને પાર થયો હોવાની આશંકા, ત્રણ બાળકોએ પણ જીવ ગુમાવ્યા
નાસભાગ બાદ ઈજાગ્રસ્તોના હૃદયદ્રાવક દૃશ્યો
મુખ્યમંત્રીએ સારવાર માટે નિર્દેશ આપ્યા
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને નાસભાગની ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રી તથા જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિ નિયંત્રણમાં રાખવા આદેશ આપ્યા તથા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવા પણ આદેશ અપાયા. પડોશી જિલ્લાના મંત્રીઓ તથા અધિકારીઓને પણ મદદ માટે જોડાવવા નિર્દેશ અપાયા છે. મુખ્યમંત્રી ડોક્ટર્સ અને પોલીસને પણ સહયોગની અપીલ કરી છે.
ભાષણ અધવચ્ચે જ અટકાવવું પડ્યું
ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાતાં TVKના પ્રમુખ તથા સુપરસ્ટાર વિજયે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દેવું પડ્યું હતું. તેમણે ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા આગ્રહ કર્યો. આટલું જ નહીં એક 9 વર્ષની બાળકી પણ ગુમ થઈ હોવાની ફરિયાદ આયોજકોને મળી હતી. નોંધનીય છે કે ફિલ્મસ્ટાર વિજય હવે ફિલ્મી દુનિયા છોડી રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે આગામી છ મહિનામાં રાજ્યમાં સત્તા પલટાઈ જશે.

