દિવાળીના શુભ પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતો એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાષ્ટ્રીય સિદ્ધિઓ, આર્થિક પ્રગતિ અને નાગરિકોની ફરજો પર ભાર મૂક્યો છે. તેમણે પત્રમાં લખ્યું ‘અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ પછી આ બીજી દિવાળી છે. ભગવાન શ્રી રામ આપણને ધર્મનું પાલન કરવાની અને અન્યાય સામે લડવાની હિંમત આપે છે. આનું એક આબેહૂબ ઉદાહરણ થોડા મહિના પહેલા ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યું હતું, જ્યારે ભારતે ધર્મનું સમર્થન કર્યું અને અન્યાયનો બદલો લીધો.’

ઐતિહાસિક સિદ્ધિઓ અને સુધારા
પ્રધાનમંત્રી મોદીએ પત્રમાં દેશની અન્ય મોટી સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે લખ્યું કે, ‘તાજેતરમાં ઘણાx લોકોએ હિંસાનો માર્ગ છોડીને વિકાસના મુખ્ય પ્રવાહને અપનાવ્યો છે અને બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિઓ વચ્ચે, દેશે આગામી પેઢીના સુધારા શરૂ કર્યા છે, જેમાં નવરાત્રિના પહેલા દિવસે ઓછા GST દર લાગુ કરવાનો સમાવેશ થાય છે.
‘વિકસિત ભારત માટે નાગરિકોની ફરજો
વિકસિત ભારત તરફની સફર પર ભાર મૂકતા પીએમ મોદીએ લખ્યું કે, ‘અનેક કટોકટીનો સામનો કરી રહેલી દુનિયામાં, ભારત સ્થિરતા અને સંવેદનશીલતા બંનેના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.’
તેમણે ઉમેર્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત તરફની આ સફરમાં, નાગરિકોની પ્રાથમિક જવાબદારી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજો પૂર્ણ કરવાની છે.’સ્વદેશી’ અપનાવવાની અને ‘સ્વસ્થ’ રહેવાની અપીલ
પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં દેશવાસીઓને ‘સ્વદેશી’ને અપનાવવા વિનંતી કરી છે. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવા, બધી ભાષાઓનો આદર કરવા અને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી.
આરોગ્યને પ્રાથમિકતા આપવા અંગે તેમણે યોગ અપનાવવાનું સૂચન કર્યું અને સાથે જ દેશવાસીઓને તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બધા પ્રયાસો ભારતને ઝડપથી વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જશે.

