ઈસ્ટ એશિયા સમિટના મંચ પરથી વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક પાખંડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિશ્વના કેટલાક શક્તિશાળી દેશો ઘણા ઉપદેશ આપે છે, પરંતુ પોતે તેનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે. ગ્લોબલ એનર્જી ટ્રેડને જાણી જોઈને સિમિત કરવામાં આવી રહ્યો છે, જેનાથી માર્કેટમાં વિકૃતિ સર્જાતા સપ્લાય ચેઇનમાં વિશ્વાસ ઘટી રહ્યો છે.’

ઈસ્ટ એશિયા સમિટમાં બોલ્યા એસ. જયશંકર
જયશંકરે એમ પણ કહ્યું કે, ‘કુદરતી સંસાધનો માટેની સ્પર્ધા અત્યંત આક્રમક છે. અને ટેકનોલોજીની રેસ વિશ્વની સાચી તસવીર ઉજાગર કરી છે. એટલે કે જે બોલે છે એ કરતા નથી. અને જે કરે છે તે બોલતા નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે વિશ્વ મલ્ટીપોલર છે અને તે વધુ મલ્ટીપોલર બનશે. તેથી નિયમો એકસમાન હોવા જોઈએ, કેટલાક દેશોના હિતોને અનુરૂપ નહીં.’
તેમણે કહ્યું કે, ‘ખાસ કરીને માર્કેટ ખુલ્લું રાખવાની વાત છે. પરંતુ જોઈએ તો એક્સેસ રોકવામાં આવી રહી છે. એનર્જી ફ્લો પર રોક લગાવીને સમગ્ર દુનિયામાં સંકટ ઊભુ કરાઈ છે અને પછી એજ દેશ ભાષણ આપે છે કે, ગ્લોબલ ટ્રેડ ફ્રી થવું જોઈએ. આ વિરોધાભાષ હવે બધાને દેખાય છે. આમ ટેક્નોલોજી, ટેલેન્ટ અને માર્કેટની સાચી રમત હવે કોઈની છાની નથી. દુનિયાને નવી પરિસ્થિતિ મુજબ સાથે રહીને બદલવાની ભારતની દ્રષ્ટી છે.’
ગાઝા હોય કે યુક્રેન વિશ્વભરના અર્થતંત્રોને નુકસાન
ગાઝા હોય કે યુક્રેન આ સંઘર્ષોએ વિશ્વભરના અર્થતંત્રોને નુકસાન પહોંચાડ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘ભારત શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે કારણ કે યુદ્ધ ભૂખમરો વધારે છે, બજારો સંકોચાય છે અને સામાન્ય લોકો સૌથી વધુ કિંમત ચૂકવે છે. ભારત આતંકવાદ પર કોઈપણ અસ્પષ્ટતા સ્વીકારશે નહીં. આ ખતરો એક સતત અને કાટ લાગતો ઝેર છે. જેમાં સ્વ-બચાવના અધિકાર સાથે કોઈ સમાધાન નથી.’એશિયા સમિટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘પૂર્વ એશિયા સમિટ સાથે સહયોગ કરીને ભારત ઉર્જા કાર્યક્ષમતા, શિક્ષણ અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં તેના કાર્યનો વિસ્તાર કરી રહ્યું છે. ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલને વધુ દેશો તરફથી સમર્થન મળ્યું છે. ગુજરાતના લોથલમાં EAS મેરીટાઇમ હેરિટેજ ફેસ્ટિવલ યોજવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. 7મો મેરીટાઇમ સિક્યુરિટી કોન્ફરન્સ ભારતમાં યોજાશે.’
જયશંકરે યાદ અપાવ્યું કે, ભૂકંપ પછી સહાય પૂરી પાડનાર ભારત પહેલો દેશ હતો. ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટ પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સાયબર કૌભાંડી ગેંગના વધતા નેટવર્ક પર ચિંતા વ્યક્ત કરી અને સમગ્ર પ્રદેશને તેમને ખતમ કરવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી.

