NATIONAL : દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરુ થશે

0
50
meetarticle

ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘આ ટ્રેનનું નિર્માણ અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. જોકે, આ ટ્રેન કયા રૂટ પર ચાલશે તે હજુ નક્કી થયું નથી. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્ત્વપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ છે.

રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વંદે ભારત સ્લીપર ટ્રેનને જોડીમાં ચલાવવી પડે છે. તેથી, બીજી ટ્રેન પણ બનાવવામાં આવી રહી છે, જે 10 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. બંને ટ્રેનો તૈયાર થયા બાદ રૂટ નક્કી કરીને તેને ચલાવવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલી સ્લીપર ટ્રેન દિલ્હીથી પટના અથવા દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલશે. અમુક રિપોર્ટ્સમાં દિલ્હીથી કોલકાતા વચ્ચે પણ આ ટ્રેન શરુ થવાનો દાવો કરાયો હતો.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો

ડિઝાઇન અને સ્પીડ

આ ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનનું બોડી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. આ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું ટ્રાયલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું છે.

આંતરિક સગવડો

કોચનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક અને આધુનિક છે. જેમાં સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બેડની વ્યવસ્થા રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરાયો છે.

ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોઇલેટ અને સીસીટીવી કેમેરા જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.

સૂત્રો અનુસાર, આ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ઑક્ટોબરના અંત સુધીમાં પાટા પર દોડતી થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here