NATIONAL : દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે

0
13
meetarticle

ભારતમાં ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયા પછી પહેલી વખત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી ઈવીએમની તપાસ થશે. ન્યાયાધીશ સોમશેખર સુંદરેસને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનની હાજરીમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ને ઈવીએમની તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા ૨૭.૧૬ લાખ મતદારોના નામ ફ્રીઝ કરવાની કાર્યવાહીને પડકારતી એક અરજી પર ૧૩ એપ્રિલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે સહમતી દર્શાવી છે.મહારષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ચાંદિવલી બેઠક પર શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનનો પરાજય થયો હતો. જોકે, નસીમ ખાને આ પરિણામોને હાઈકોર્ટમાં પડકાર્યા હતા. હવે હાઈકોર્ટના ન્યાયાધીશ સોમશેખર સુંદરેસને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ને ઈવીએમની તપાસનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીએ ઈવીએમ સાથે ચેડાં અને વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અરજદાર માટે જ્યારે પણ ઈવીએમની તપાસની મંજૂરીનો આદેશ અપાશે તો તેના બે મહિનાની અંદર જ ચૂંટણી પંચે મશીનોનું નિરીક્ષણ પૂરું કરાવવું પડશે.  હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં આ પ્રકારે ક્યારેય ઉમેદવાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઈવીએમની તપાસ નથી કરાઈ.

મુંબઈ ઉપનગર જિલ્લાના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમે કહ્યું કે, ૧૬ અને ૧૭ એપ્રિલે આ ડાયગ્નોસ્ટિક તપાસ થશે. કોંગ્રેસે તેના ઉમેદવારોને પોત-પોતાના ચૂંટણી ક્ષેત્રમાં ઈવીએમ અને વીવીપેટ યુનિટ્સની તપાસની માગ કરવા હાકલ કરી હતી. કોંગ્રેસ નેતા નસીમ ખાને કહ્યું કે, અત્યાર સુધી કોઈ કોર્ટે ઈવીએમની તપાસનો આદેશ નથી આપ્યો. ચાંદીવલીમાં ઓછામાં ઓછા ૨૦ ઈવીએમની તપાસ થશે.

બીજીબાજુ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા લાખ મતદારોની અંતિમ યાદી ૯ એપ્રિલે ફ્રીઝ કરી દીધી અને કુલ ૨૭.૧૬ મતદારોના નામ રદ કરી દીધા છે તેમ શુક્રવારે એક વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે ૧૩ એપ્રિલે કેસની સુનાવણી માટે સહમતી દર્શાવી છે. 

વકીલે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોની અપીલ હજુ પણ એપેલેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. મતદાર યાદીમાંથી હટાવાયેલા ૨૭.૧૬ લાખ નામોમાંથી માત્ર બે કેસોમાં જ સુનાવણી થઈ છે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે મતદાર યાદી ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે યાદીમાંથી રદ કરાયેલા ૨૭.૧૬ લાખ લોકોને આ વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર નહીં મળે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here