ભારતમાં સદીઓ જૂની માન્યતા હેઠળ પશુ-પક્ષીની બલી ચડાવવાની ગેરમાન્યતા વિરુદ્ધ ભારત જન વિજ્ઞાન જાથાએ દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. નવરાત્રીમાં આઠમ, નોમ, દશેરા અને પૂનમના દિવસે થતી પશુબલીની ઘટનાઓ અટકાવવા માટે જાથાએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતીય કાયદા મુજબ પશુબલી કરવી ગુન્હાને પાત્ર છે. બલી ચડાવનાર, હત્યા કરનાર અને તેને પ્રેરિત કરનાર તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહીનો નિર્દેશ છે. સરકારે કોઈ પણ સમાજને પશુબલી માટે માન્યતા આપી નથી અને તેના નામે ફરતા પરિપત્રો સંપૂર્ણપણે ખોટા છે.
જાથાએ જણાવ્યું છે કે, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકોને વિનંતી છે કે તેઓ આધાર-પુરાવા સાથે પશુબલીની માહિતી સરકારી તંત્ર અથવા જાથાના મોબાઈલ નંબર ૯૮૨૫૨૧૬૬૮૯ પર આપીને નિર્દોષ પશુઓની હત્યા અટકાવવામાં મદદરૂપ થાય. આ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં જાથાની કમિટીઓ કામગીરી સંભાળશે.

