પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં બંગાળમાં આવેલા પૂરને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કુદરતી નહીં પણ માનવ સર્જિત પૂર છે. પાણીને છોડવામાં અનિયમિતતાને કારણે આ પૂર આવ્યું હતું. સાથે જ તેમણે પૂર અને ભુસ્ખલનમાં જે પણ લોકો માર્યા ગયા તેમના પરિવારને પાંચ લાખ રૂપિયા અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.

મમતાએ દાવો કર્યો હતો કે દામોદર વેલે કોર્પોરેશન (ડીવીસી)ને કારણે બંગાળમાં પૂર આવ્યું હતું. પાણી છોડવામાં ભારે અનિયમિતતા દાખવવામાં આવી હતી, જેને કારણે અચાનક જ પૂર આવ્યું હતું. નોંધનીય છે કે દામોદર વેલે કોર્પોરેશન ડીવીસી દામોદર નદીને લઇને પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં કામ કરે છે જે મુખ્યત્વે દામોદર ઘાટી પ્રોજેક્ટ હેન્ડલ કરે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પૂરને કારણે અનેક પશુઓ માર્યા ગયા હતા. પૂરમાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા ૨૩ને પાર પહોંચી હતી. બંગાળમાં પૂરને કારણે અનેક ગેંડા તણાયા હતા, અહીંના ડૂઆર્સ પ્રાંતના જંગલોમાં પૂરનું પાણી ઘૂસી ગયું હતું જેને કારણે આ જંગલમાં રહેલા અનેક ગેંડા તણાયા હતા. જલપાઇગુરીમાં એક ગેંડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કાલિબર ગામમાંથી અન્ય એક ગેંડાને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અચાનક જ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેને કારણે ભારે તારાજી સર્જાઇ હતી.

