બિહારમાં ચૂંટણી વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે પ્રેસ કોન્ફરંસ કરીને કેટલાક ખુલાસા કર્યા હતા. રાહુલે ફેક વોટર્સને લઇને મોટો દાવો કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરંસમાં કહ્યું હતું કે એક બ્રાઝિલિયન મોડેલે ૨૨ વખત મતદાન કર્યું. એટલુ જ નહીં હરિયાણામાં ૨૫ લાખ મતોની ચોરી કરવામાં આવી હતી. એટલે કે ૨૫ લાખ ફેક મતદારો છે. હરિયાણામાં બે કરોડ મતદારો છે, એટલે કે આઠમાંથી એક મતદાર ફેક છે. જે ૧૨ ટકા જેટલા છે.

રાહુલે પ્રેસ કોન્ફરંસમાં દાવો કર્યો હતો કે મને ચૂંટણી બાદ અનેક કોંગ્રેસના ઉમેદવારોએ કહ્યું હતું કે કઇંક તો ખોટું થઇ રહ્યું છે. હરિયાણાની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જીતી રહી હતી. જોકે પરિણામ આવ્યા તેમાં ભાજપની જીત દેખાડવામાં આવી હતી. રાહુલે એક વીડિયો પણ જારી કર્યો હતો જેમાં વર્તમાન મુખ્યમંત્રી નાયબ સૈની તે સમયે કહેતા હતા કે તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો બહુ જ સામાન્ય મતોથી ગુમાવી હતી, એક બેઠક માત્ર ૩૨ મતથી હાર્યું હતું. કોંગ્રેસ હરિયાણાની ચૂંટણી માત્ર ૨૨૭૭૯ મતોથી જ હાર્યું હતું.
રાહુલે ફેક મતદારોની વિગતો જાહેર કરી હતી અને દાવો કર્યો હતો કે એક બ્રાઝિલિયન મોડેલની તસવીર અને ફેક નામોનો ઉપયોગ કરીને ૨૨ ફેક મતદારો ઉભા કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ આ મોડેલની તસવીર, ફેક નામો સહિતની વિગતો પણ જાહેર કરી હતી. સ્વીટી, સીમા, સરસ્વતી જેવા ૨૨ નામોથી એક બ્રાઝિલિયન મોડેલની તસવીરનો ઉપયોગ કરાયો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આવા અનેક ફેક મતદારો ઉભા કરવામાં આવ્યા છે. જોકે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મહિલા મતદારે કહ્યું છે કે મે ખુદ મતદાન કર્યું હતું, મારા નામે અન્ય કોઇએ મતદાન નથી કર્યું. આ મહિલાનું નામ પિંકી છે. જેના નામનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ ફેક મતદારોની યાદી જાહેર કરતી વખતે કર્યો હતો. ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે કોઇ જ ફરિયાદ નહોતી મળી : પંચના સુત્રો
રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં પણ ગેરરીતિના આરોપો લગાવ્યા છે. એવામાં ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલના દાવા પર સવાલો ઉઠાવ્યા છે. આ અધિકારીઓએ સવાલ કર્યો છે કે જો ખરેખર હરિયાણાની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હતી તો પછી તે સમયે કોંગ્રેસના બૂથ એજન્ટો કેમ ચૂપ રહ્યા? કોઇ જ ફરિયાદ કરવામાં કેમ ના આવી? જ્યારે રીવિઝન કરવામાં આવ્યું ત્યારે પણ અલગ અલગ નામો અંગે કોંગ્રેસના એજન્ટોએ ધ્યાન કેમ ના દોર્યું? કોઇ પણ પ્રકારની ફરિયાદ તે સમયે નહોતી મળી.

