NATIONAL : ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર

0
14
meetarticle

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના ભયાનક યુદ્ધ અને હોર્મુઝની ખાડી પર ઈરાનની નાકાબંધી વચ્ચે ભારતમાં રાંધણ ગેસના પૂરવઠા પર કાળા વાદળ છવાયા છે. ભારતના કેટલાક જહાજ સફળતાપૂર્વક હોર્મુઝની ખાડી પાર કરીને સ્વદેશ પહોંચી ગયા છે. આમ છતાં ભારતના હજુ ૨૨ જેટલા ક્રૂડ અને એલપીજી ભરેલા ટેન્કરો હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. ભારતમાં સતત ત્રીજા સપ્તાહે એલપીજીની અછતના અહેવાલો છે. શિવાલિક અને નંદા દેવી સહિતના જહાજ ભારતની માત્ર એક-બે દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. ભારતને તેની રાંધણ ગેસની જરૂરિયાતો પૂરી કરવા માટે મહિને ૩૦થી વધુ એલપીજી ટેન્કરોની જરૂર પડે છે.વેસલ ટ્રેકિંગના ડેટા મુજબ જ ભારતના જગ વસંત, બીડબલ્યુ એલ્મ, બીડબલ્યુ લોયલ્ટી, પાઈન ગેસ, ગ્રીન સાણવી, જગ વિક્રમ અને ગ્રીન આશા નામના જહાજો હોર્મુઝની ખાડી પાસે રોકાયેલા છે. આ જહાજોમાં અંદાજે ૩.૩૮ લાખ મેટ્રિક ટન એલપીજી છે, જે ભારતની માસિક જરૂરિયાતનો લગભગ પાંચમો હિસ્સો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ જહાજોમાં કોઈ હલચલ જોવા મળી નથી.

બીજીબાજુ ભારતમાં રાંધણ ગેસની માગ ખૂબ જ ઊંચી છે. ગયા વર્ષે દેશમાં ૩.૩૧ કરોડ મેટ્રિક ટન કૂકિંગ ગેસનો વપરાશ થયો હતો, જેમાંથી ઘરેલુ ઉત્પાદન માત્ર ૧.૨૮ કરોડ મેટ્રીક ટન હતું જ્યારે બાકીના ૧.૮૫ કરોડ મેટ્રિક ટનનો પુરવઠો આયાત કરાયો હતો. આ માગ પૂરી કરવા વર્ષમાં ૪૦૦થી ૪૫૦ જહાજ એટલે કે માસિક ૩૪થી ૩૮ ટેન્કરની જરૂર પડે. પરંતુ મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે છેલ્લા ૧૫ દિવસમાં માત્ર કેટલાક ટેન્કર જ ભારત પહોંચી શક્યા છે.

આ સંજોગોમાં કેન્દ્ર સરકારે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતના ટેન્કરોને બહાર કાઢવા માટે ભારતીય નેવીને ઓમાનની ખાડીમાં તૈનાત કરી છે. ભારતીય નેવીએ ઓમાનની ખાડી અને અરબ સાગરમાં વધારાના ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ મોકલ્યા છે. આ ડિસ્ટ્રોયરનો આશય ભારતના કમર્શિયલ જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરવાનો છે. જોકે, આ સાથે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં નહીં જાય.

દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી જાળવી રાખતા દુનિયાભરમાં ઊર્જા કટોકટી વધવાની આશંકાએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ ૧૧૬.૩૮ ડોલરે પહોંચ્યો હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલાંની પૂર્વ સંધ્યાએ માત્ર પ્રતિ બેરલ ૭૩ ડોલર હતો. કુદરતી ગેસ માટેના યુરોપીયન ટીટીએફ બેન્ચમાર્ક ગુરુવારે સેન્ટ દીઠ ૨૪ના સ્તરે ટ્રેડ થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here