મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ના મુદ્દે મમતા બેનર્જી અને ભાજપ કેટલાય સમયથી સામ-સામે છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચૂંટણી પંચની મનમાની સામે તે કોર્ટમાં જશે. ચૂંટણી પંચની વહીવટી મનસ્વીતા અને પજવણીના વિરોધમાં સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવીને મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચૂંટણી પંચના કારણે સરની પ્રક્રિયા દરમિયાન ૭૦ લોકોનાં મોત થયા છે.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૪ પરગણામાં સંબોધન કરતી વખતે જાહેરાત કરી હતી કે લોકોના હિત માટે સરની પ્રક્રિયા સામે તે કોર્ટમાં જશે. ચૂંટણી પંચની મનમાનીના કારણે સરની પ્રક્રિયા દરમિયાન ૭૦થી વધુનાં મોત થઈ ચૂક્યા છે અને એ મુદ્દે કોર્ટમાં પડકાર અપાશે. એટલું જ નહીં, જરૂર પડશે તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ આપણાં અસ્તિત્વની લડાઈ છે. સામાન્ય સ્પેલિંગની ભૂલ, સરનામામાં ફેરફાર અને લગ્ન પછી બદલાતા નામના કારણે અનેક મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ એક પ્રકારનું ષડયંત્ર છે. એઆઈ નક્કી કરે છે કે કોનું નામ બદલાઈ ગયું છે. કઈ છોકરીના લગ્ન થયા છે. કોનું સરનામું બદલાયું છે. એક હત્યારાને પણ તેના બચાવની તક મળે છે ત્યારે અહીં તો લોકોના નામ હટાવ્યા પછી તેમના અસ્તિત્વ સામે સવાલ ઉભા થઈ જાય છે. હું લોકોના મુદ્દે બોલી રહી છું અને બોલતી રહીશ.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે વોટ્સએપના માધ્યમથી લોકોને ગાયબ કરાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોઈ ડિટેન્શન કેમ્પ બનવા દેવાશે નહીં. વક્ફની સંપત્તિ પર પણ કોઈનો કબજો થવા દેવાશે નહીં. તેમણે ચૂંટણી પંચ અને ભાજપ પર બંગાળના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ પણ મમતા બેનર્જીએ સરની પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તે એટલે સુધી કે તેમણે આમાં ભ્રષ્ટાચારનો આરોપ સુદ્ધાં મૂક્યો હતો. ચૂંટણી પંચ સામે પશ્વિમ બંગાળની સરકાર કેસ કરશે કે તેમની પાર્ટી તૂણમૂલ કોંગ્રેસ કેસ કરશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજી તરફ બંગાળ ભાજપે પણ સામે જવાબ આપ્યો હતો. બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું હતું કે મમતા બેનર્જી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે, પરંતુ સરની પ્રક્રિયા ચાલી રહી છે તે ચાલતી રહેવી જોઈએ. ભાજપનું આ પ્રક્રિયાને સમર્થન છે.

