કાનપુરમાં એક માથાફરેલ પ્રેમીને યુવતીએ પાઠ ભણાવ્યો છે. ઘટના એમ છે કે, કાનપુરમાં એક યુવક ઘણા દિવસથી એક યુવતીનો પીછો કરી રહ્યો હતો અને એક દિવસ તેણે યુવતીને ખેતરમાં ઘેરીને તેને ચુંબન કરવા લાગ્યો. હવે અચાનક થયેલા આ હુમલાથી ખુદને બચાવવા માટે યુવતીએ યુવકની જીભ કાપી નાખી. હવે યુવતીએ જે પગલું ભર્યું તેની આખા શહેરમાં ચર્ચા થઈ રહી છે. આરોપી યુવક લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પરિણીત હોવા છતાં યુવતીની પાછળ પડ્યો હતો આરોપી
આ ઘટનાનો આરોપી યુવાક ચંપી બિલહૌર ક્ષેત્રના એક ગામનો રહેવાસી છે. તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. તેમ છતાં તે ઘણા સમયથી ગામની એક યુવતીની પાછળ પડ્યો હતો. યુવતી તેનાથી પરેશાન થઈ ગઈ હતી. યુવતીએ તેને અનેક વાક કહ્યું હતું કે તું મારો પીછો કરવાનું બંધ કરી દે. જોકે, આની ચંપી પર કોઈ અસર ન થઈ. ઉલ્ટી તેની હરકતો વધતી જ ગઈ. ગામલોકોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈનું ન સાંભળ્યું. યુવતીના પરિવારે પણ ઘણી વાર વાંધો ઉઠાવ્યો, પરંતુ મામલો ક્યારેય પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નહીં.
ઘટનાના દિવસે યુવતી ખેતરમાં એકલી હતી
ઘટનાના દિવસે યુવતી બપોરે માટી લેવા માટે ખેતરમાં ગઈ હતી. આસપાસ કોઈ નહોતું, અને ખેતર ગામથી થોડે દૂર હતું. જ્યારે યુવતી માટી ખોદવા માટે ઝૂકી હતી ત્યારે ચોરીછુપે ચંપી ત્યાં આવી પહોંચ્યો. કદાચ તેણે એવું વિચારી લીધું કે, આ તક માટે પરફેક્ટ છે, પરંતુ આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. છોકરી કંઈ સમજે તે પહેલાં જતેણે તેને પાછળથી પકડીને જમીન પર પછાડી દીધી. છોકરીએ ઉભા થવાનો પ્રયાસ કરતા જ તે તેના ચહેરા પર ઝૂકી ગયો અને બળજબરીથી તેને ચુંબન કરવા લાગ્યો. છોકરીએ તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, તેના હાથ-પગ માર્યા, ચીસો પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેતર ખાલી હતું અને તે એકલી હતી.
આરોપીએ વધુ અશ્લીલ હરકતો કરી
છોકરીનો વિરોધ વધતો જોઈને ચંપી વધુ ઉગ્ર બની ગયો. તેણે પોતાના મોબાઈલ ફોન પર છોકરીની તસવીર ઓપન કરી અને તેના ફોટાને ચુંબન કરવાનું શરૂ કર્યું અને તેના ચહેરા પર હાથ રાખીને વારંવાર તેને ચુંબન કરવાનો પ્રયાસ કરતો રહ્યો. આ એટલું અચાનક બન્યું કે છોકરી ક્ષણભર માટે ગભરાઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે તેને સમજાયું કે જો મેં તાત્કાલિક કોઈ મોટું પગલું ન ભર્યું તો હું આ પરિસ્થિતિમાંથી નીકળી ન શકીશ.
યુવતીએ દાંતથી આરોપીની જીભ કાપી નાખી
જેવો ચંપી ફરી તેના ચહેરા તરફ ઝૂક્યો ત્યારે યુવતીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી અને એક જ સેકન્ડમાં યુવકના ચહેરાને પકડીને તેની જીભ કરડી નાખી. તીવ્ર પીડાએ આરોપીને જમીન પર જ પછાડી દીધો. તે ચીસો પાડતો પાછળ હટી ગયો, તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ગભરાયેલી છોકરીએ તરત જ ઘરે ફોન કરીને તેના ભાઈઓને ઘટનાની જાણ કરી.
પરિવારમાં વિવાદ, પછી પહોંચી પોલીસ
થોડી જ વારમાં બંને પરિવારો ઘટનાસ્થળે પહોંચી ગયા. ચંપીના પરિવારે ત્યાં પહોંચતા જ યુવતીના ભાઈઓ પર યુવકની જીભ કાપી નાખવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ યુવતીનો પરિવાર પોતાની દીકરીની હાલત જોઈને ગુસ્સામાં હતો. પરિસ્થિતિ તંગ બની ગઈ અને સંઘર્ષ વધવા લાગ્યો. કંઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ ગામલોકોએ પોલીસને ફોન કરી દીધો. બિલહૌર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને અલગ કર્યા.
તપાસમાં થયું સ્પષ્ટ
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું, ગ્રામજનોની પૂછપરછ કરી અને યુવતીનું નિવેદન લીધું. આ સાથે જ યુવતીના ભાઈઓના મોબાઇલ લોકેશન અને તેમની હાજરીની પણ તપાસ કરવામાં આવી. સ્ટેશન ઈન્ચાર્જ અશોક કુમાર સરોજે જણાવ્યું કે, ‘તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે યુવતીના ભાઈઓ ઘટનાસ્થળે નહોતા. આરોપી ઘાયલ હતો અને યુવતીએ સ્વબચાવમાં તેની જીભ કાપી નાખી હતી. ત્યારબાદ આરોપી ચંપીને તાત્કાલિક બિલહૌર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને ગંભીર હાલતમાં કાનપુર મેડિકલ કોલેજ રિફર કરવામાં આવ્યો.’
આરોપીની ધરપકડ કરવામાં આવશે
યુવતી તરફથી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, ‘ચંપી છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરી રહ્યો હતો. તેણે ખેતરમાં યુવતી સાથે બળજબરી કરી. યુવતીએ સ્વબચાવમાં આ પગલું ભર્યું હતું. આરોપી સ્વસ્થ થતાં જ તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને ગામમાં તણાવ ન વધે તે માટે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.’

