Meerut blue drum murder case : ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલા અરેરાટીભર્યા ‘બ્લુ ડ્રમ હત્યા કેસ’માં 14 ઓક્ટોબર 2026 ના રોજ અદાલતે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂતની ઘાતકી હત્યા કેસમાં તેની જ પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
જિલ્લા ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાએ બંને આરોપીઓને આ જઘન્ય અપરાધ માટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ સાથે જ કોર્ટે અનુક્રમે 50,000 અને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મેરઠની ચૌધરી ચરણ સિંહ જેલમાં બંધ બંને દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
માર્ચ 2025 ની એ ગોઝારી રાત: હત્યાનું ભયાનક કાવતરું
આ સમગ્ર ઘટના માર્ચ 2025 ની છે. વિદેશમાં મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો સૌરભ રાજપૂત ફેબ્રુઆરીના અંતમાં પોતાની પત્ની મુસ્કાન અને દીકરીનો જન્મદિવસ ઉજવવા રજાઓ લઈને મેરઠ આવ્યો હતો. આ દરમિયાન તેને પોતાની પત્ની અને સાહિલ શુક્લા વચ્ચેના આડા સંબંધોની જાણ થઈ ગઈ હતી.
સૌરભ પોતાના પ્રેમમાં અડચણરૂપ બનશે તેવા ડરથી મુસ્કાન અને સાહિલે એક ખૌફનાક પ્લાન બનાવ્યો. 3 માર્ચ 2025 ની રાત્રે મુસ્કાને સૌરભના જમવામાં ઘેનની દવા ભેળવી દીધી. સૌરભ બેભાન થતાં જ તેણે સાહિલને ઘરે બોલાવી લીધો.

બંનેએ ભેગા મળીને પહેલા સૌરભનું ગળું કાપ્યું અને પછી પુરાવા નાશ કરવા બાથરૂમમાં લાશના નાના-નાના ટુકડા કરી નાખ્યા. બીજા દિવસે બજારમાંથી એક મોટું વાદળી ડ્રમ, રેતી અને સિમેન્ટ લાવીને લાશના ટુકડા અંદર નાખ્યા. દુર્ગંધ બહાર ન આવે તે માટે ડ્રમને સિમેન્ટથી એકદમ પેક કરી દીધું હતું.
લાશ ઘરમાં મૂકી શિમલાની ટૂર અને સોશિયલ મીડિયા પર નાટક
પોતાના જ પતિની આટલી ઘાતકી હત્યા કર્યા પછી પણ મુસ્કાનના ચહેરા પર કોઈ જ ડર ન હતો. તે પોતાની માસૂમ દીકરીને પિયરમાં મૂકીને પ્રેમી સાહિલ સાથે શિમલા અને મનાલી ફરવા જતી રહી હતી. ત્યાં બંનેએ લગભગ 13 દિવસ સુધી મોજમજા કરી હતી.
સૌરભ જીવતો છે તેવો ભ્રમ ઊભો કરવા માટે મુસ્કાન સતત તેના ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. જ્યારે દીકરી અને પરિવારે સૌરભ વિશે પૂછપરછ કરી, ત્યારે તેણે જુઠ્ઠાણું ચલાવ્યું કે સૌરભ અચાનક ડ્યૂટી પર વિદેશ પાછો જતો રહ્યો છે.
ભાઈ રાહુલે ભાંડો ફોડ્યો અને ઘરમાંથી વાદળી ડ્રમ મળ્યું
મુસ્કાનના વર્તન પર શંકા જતા 18 માર્ચ 2025 ના રોજ સૌરભનો ભાઈ રાહુલ તેમના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં સાહિલની હાજરી અને ત્યાંથી આવતી એક વિચિત્ર દુર્ગંધને કારણે રાહુલની શંકા પાકી થઈ ગઈ. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી.
પોલીસે આવીને તપાસ કરી અને પેલું વાદળી ડ્રમ ખોલ્યું, તો અંદરથી સૌરભની કોહવાયેલી અને ટુકડા કરેલી લાશ મળી આવી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુસ્કાન અને સાહિલની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
13 મહિનાની લડત, 22 સાક્ષીઓ અને મહાભારતનો સંદર્ભ
જુલાઈ 2025 માં આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. લગભગ 13 મહિના સુધી ચાલેલી આ કાનૂની પ્રક્રિયામાં 127 જેટલી તારીખો પડી અને 22 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી. 30 સપ્ટેમ્બરના રોજ કોર્ટે બંનેને દોષિત જાહેર કર્યા હતા. સજા સંભળાવતા પહેલા જજે પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે? પણ બંને આરોપીઓ ચૂપ રહ્યા હતા.
ચુકાદો આપતી વખતે કોર્ટે મહાભારતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જજે કહ્યું કે, “ગુનેગારને તેના ગુના માટે સજા આપવી એ ધાર્મિક ફરજ છે. સજા હંમેશા ગુનાની ગંભીરતાને અનુરૂપ હોવી જોઈએ.” કોર્ટે નોંધ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે, જે સમાજમાં એક મોટો દાખલો બેસાડશે.
ન્યાય મળ્યા પછી મૃતક સૌરભના ભાઈ રાહુલે સંતોષ વ્યક્ત કરતા કહ્યું, “અમે પહેલેથી જ ન્યાયની આશા રાખી હતી. અમારી એ જ માંગ હતી કે તેઓએ અમારા ભાઈ સાથે જે ક્રૂરતા કરી છે, તેની જ સજા તેમને પણ મળવી જોઈએ.”

