પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક એવુ નિવેદન આપ્યું છે જેને લઇને નવો વિવાદ થયો છે. દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર ગેંગરેપ મુદ્દે ટીપ્પણી કરતા મમતાએ પીડિતા પર જ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે યુવતીઓને રાત્રે બહાર ના જવા દેવી જોઇએ. તેમણે જાતે પણ પોતાનું રક્ષણ કરવું જોઇએ.

દુર્ગાપુરની એક ખાનગી કોલેજની એમબીબીએસની એક વિદ્યાર્થિની રાત્રે પોતાના મિત્રની સાથે કોલેજની બહાર નીકળી હતી, આ દરમિયાન કોલેજ કેમ્પસની પાસે જ તેના પર અજાણ્યા શખ્સો દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. આ મામલાને લઇને મીડિયા સાથે વાત કરતા મમતાએ કહ્યું હતું કે ખાનગી કોલેજોએ પણ વિદ્યાર્થીઓની જવાબદારી લેવી જોઇએ.
પોલીસ દરેક ઘર પર નજર ના રાખી શકે. જો કોઇએ રાત્રે સાડા બાર વાગ્યે બહાર જવું હોય તો જઇ શકે છે તે તેમનો અધિકાર છે પરંતુ જે લોકો હોસ્ટેલમાં રહે છે તેમના માટે એક સિસ્ટમ છે.
મમતાએ વધુમાં કહ્યું હતું કે બહારથી અભ્યાસ માટે અહીંયા આવનારા યુવક અને યુવતીઓને વિનંતી કરવા માગુ છું કે તેઓ રાત્રે બહાર જવાનું ટાળે, કેમ કે પોલીસને એ જાણકારી ના હોય કે કોણ હોસ્ટેલની બહાર નીકળશે.
જોકે મમતાના આ નિવેદનને લઇને હવે નવો વિવાદ ઉભો થયો છે. વિપક્ષ ભાજપે મમતા પર આકરા પ્રહાર કર્યા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે મમતાનું નિવેદન સાબિત કરે છે કે મહિલાઓની સુરક્ષા મુદ્દે તૃણમુલ કોંગ્રેસ સરકારની કોઇ જ જવાબદારી નથી. બીજી તરફ રેપની આ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

