કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી બિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધન સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે બિહારના યુવાનો સાથે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના મુદ્દાઓ પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘રાજ્યમાં આ તમામની દુર્દશા માટે માત્ર ભાજપ-જેડીયુ સરકાર જ જવાબદાર છે. બિહારના યુવાનો સારી રીતે જાણે છે કે, છેલ્લા 20 વર્ષમાં મોદી-નીતિશ સરકારે યુવાનોની આકાંક્ષાઓનું ગળું કેવી રીતે ઘોંટ્યું છે. રાજ્યને લાવારિસ છોડી દીધો છે’

રાહુલે ડેટા સાથે ડબલ એન્જિન સરકાર પર હુમલો કર્યો
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ડેટા શેર કરીને બિહારની વાસ્તવિકતા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ‘આ માત્ર આંકડા નથી, આ એક અરીસો છે, જે દર્શાવે છે કે આ ડબલ એન્જિન સરકારે બિહારને પ્રગતિમાંથી કેટલું પાછળ ખેંચી લીધું છે.’ ડેટામાં 29 રાજ્યોનો ક્રમ રજૂ કરાયે છે અને તેમાં બિહાર કયા ક્રમે છે, તેની વિગત પણ અપાઈ છે.
સરકારે યુવાઓને બેરજગારી અને નિરાશા આપી : રાહુલ
રાહુલ ગાંધીએ ડેટા શેર કવાની સાથે લખ્યું છે કે, ‘હું બિહારમાં જેટલા યુવાઓ સાથે મળ્યો છું, તેઓ અત્યંત હોશિયાર અને સમજદાર છે. આ યુવાઓ પોતાની કાબિલિયત અને મહેનતના દમ પર દરેક ક્ષેત્રે ચમક પાથરી શકે છે, પરંતુ સરકારે તેમને તકોની જગ્યાએ માત્ર બેરોજગારી અને નિરાશા આપી છે.’ તેમણે કહ્યું કે, ‘હવે પરિવર્તનનો સમય છે’
મહાગઠબંધને જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
ઉલ્લેખનીય છે કે, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધને આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવ જ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી ચહેરો છે. ચૂંટણી ઢંઢેરામાં મહાગઠબંધને ચૂંટણી જીત્યા બાદ દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી, ગરીબ પરિવારોને રૂપિયા 500માં સિલિન્ડર, વકફ સંશોધન વિધેયક પર રોક લગાવાશે, ધાર્મિક સંસ્થાન અથવા સ્થળ પર હુમલાને રોકવા માટે કડક પગલાં લેવાશે, દિવ્યાંગજનોને રૂપિયા 3000નું માસિક પેન્શન, વિધવા અને વડીલોને રૂપિયા 1500 પ્રતિ માસ પેન્શન, મનરેગા મજૂરી વધારીને રૂપિયા 300 કરવાનું વચન આપ્યું છું.
બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા
બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી (Bihar Assembly Election-2025) યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.
અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

