ગણતરીના દિવસોમાં જ રંગોનો તહેવાર હોળી આવવાનો છે. હિન્દુ પરંપરામાં આ સૌથી વધુ ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક છે. તે ફાગણ મહિનાની પૂનમની રાત્રે હોલિકા દહન સાથે શરૂ થાય છે અને ત્યારબાદ રંગ, સંગીત અને જશ્નનો દિવસ મનાવવામાં આવે છે. ચાલો જાણીએ કે ભારત સિવાય બીજા કયા દેશોમાં હોળી મનાવવામાં આવે છે.

(1) બાંગ્લાદેશમાં હોળીને ‘ડોલ પૂર્ણિમા’ અથવા ‘બસંત ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે. અહીં હિન્દુ સમુદાય આ તહેવાર ઉજવે છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ સિંધ પ્રાંતમાં હિન્દુ સમુદાય પરંપરાગત રીત-રિવાજો અને મંદિરના સમારોહ સાથે હોળી ઉજવે છે. અલ્પસંખ્યક સમુદાય હોવા છતાં અહીં તહેવારની ભાવના મજબૂત જોવા મળે છે.
(2) નેપાળમાં હોળીને ‘ફાગુ પૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત પછી આ દેશમાં હોળીને સૌથી મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. અહીં આ ઉત્સવ બે દિવસ સુધી ચાલે છે. પ્રથમ દિવસ પહાડી વિસ્તારોમાં અને બીજો દિવસ તરાઈના મેદાનોમાં ઉજવાય છે.
(3) મોરેશિયસમાં મોટાભાગની વસ્તી ભારતીય મૂળની છે. અહીં હોળીના દિવસે જાહેર રજા (પબ્લિક હોલિડે) હોય છે. અહીં હોલિકા પ્રગટાવવામાં આવે છે અને આખા ટાપુ પર પરંપરાગત ‘ફાગ’ ગીતો ગાવામાં આવે છે. આ સાથે જ ફિજીમાં આ તહેવારને ‘પગુઆ’ તરીકે ઓળખવામાં આવે છે.

(4) ગુયાના, સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોમાં હોળી લોકપ્રિય રીતે ‘ફગવા’ તરીકે ઓળખાય છે. આ ઉત્સવમાં પરંપરાગત ‘ચૌતાલ’ ગીતો ગાવા અને હોલિકા દહનની વિધિઓ નિભાવવાનો સમાવેશ થાય છે.
(5) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સૌથી મોટા હોળી સમારોહમાંનો એક ઉટાહના ‘સ્પેનિશ ફોર્ક’ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં થાય છે. ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં પણ મોટા પાયે ‘કલર રન’ અને પરેડ યોજાય છે. યુનાઇટેડ કિંગડમમાં લંડન, લિસેસ્ટર અને બર્મિંગહામ જેવા શહેરો ભારતીય સંગીત, ડાન્સ અને રંગો સાથે મોટા હોળી ઇવેન્ટ્સ આયોજિત કરે છે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ હોળીની મોટી ઉજવણી કરવામાં આવે છે, ખાસ કરીને સિડની, મેલબોર્ન, ડરબન અને જોહાનિસબર્ગ જેવા શહેરોમાં પણ હોળીની મોટી ઉજવણી કરવામાં આવે છે

