સી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે 15મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા. તે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે.

સી. પી. રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અન્સારીની બાજુમાં બેઠા હતા. 53 દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જોવા મળ્યા હતા. જગદીપ ધનખડે ઑગસ્ટ, 2022માં ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ હતું. 21 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજીનામું આપી દીધું હતું. તેમણે સ્વાસ્થ્યનો હવાલો આપી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે વાંધો ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો.
ધનખડનું રાજીનામું વિવાદનું કારણ બન્યું
જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા, ત્યારે ઘણીવખત સરકારની વિરોધમાં નિર્ણયો આપ્યા હતા. તેમણે સરકારની ઘણી કામગીરી પર વાંધો ઉઠાવ્યો હતો. આ ચોમાસું સત્રમાં અચાનક રાજીનામું આપતાં વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેથી તેમનું રાજીનામું રાજકારણમાં વિવાદનું કારણ બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યાના બે મહિના બાદ સુધી તેઓ જાહેર જીવનથી સંપૂર્ણપણે ગુમ થયા હતા. જેનાથી રાજકીય ખળભળાટ મચ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને વિવાદ થયા હતા. જો કે, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોના લીધે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
સી પી રાધાકૃષ્ણને વિપક્ષના ઉમેદવારને બહુમતીથી હરાવ્યા
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં 788 સભ્યોમાંથી 767 સભ્યોએ મતદાન કર્યું હતું. રાધાકૃષ્ણનને અપેક્ષા કરતાં વધુ 452 મત મળ્યા હતા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત મળ્યા હતા. કોયમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન રાજકારણમાં દાયકાથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘથી શરુ કરી હતી, બાદમાં ભાજપમાં સામેલ થયા.

