NATIONAL : લાખો મુસાફરો રઝળી પડયા, ઇન્ડિગો વળતર ચૂકવે : હાઇકોર્ટ

0
32
meetarticle

 ઇન્ડિગો એરલાઇન્સની હજારો ફ્લાઇટ્સ રદ થવાને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, સતત નવ દિવસથી ચાલી રહેલી આ સમસ્યાને લઇને દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઇએલ) કરાઇ છે. જેની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને ઇન્ડિગો બન્નેનો ઉધડો લીધો હતો. સાથે જ ફસાયેલા મુસાફરોને નિયમ મુજબ વળતર ચુકવવા આદેશ આપ્યો હતો. ઇન્ડિગો સામે સમયસર પગલા લેવામાં નિષ્ફળ સરકાર અને ડીજીસીએને હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે લાચાર છો?  ઇન્ડિગોના સંકટને લઇને પીઆઇએલની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે મુખ્યત્વે ચાર આદેશ આપ્યા છે. હાઇકોર્ટે કહ્યું છે કે ડીજીસીએના નિયમો મુજબ ઇન્ડિગો પ્રભાવિત મુસાફરોને વળતર ચુકવે, જો નુકસાનીની ભરપાઇ માટેની જોગવાઇ હોય તો તેનું પણ પાલન કરવામાં આવે. વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી દેવામાં આવે, જેની દેખરેખની જવાબદારી ડીજીસીએ અને ઉડ્ડયન મંત્રાલયની રહેશે. કેન્દ્ર સરકાર કાયદા મુજબ કાર્યવાહી કરે, સરકાર પાસે ડીજીસીએ દ્વારા અપાયેલા આદેશોની સમિક્ષા કરવાની સત્તા છે. સેક્શન ૧૯ એરલાઇન્સનું લાઇસેંસ કે મંજૂરી સર્ટિફિકેટ રદ કરવા કે સસ્પેન્ડ કરવાની સત્તા આપે છે. આર્થિક દંડ અથવા બે વર્ષની કેદની જોગવાઇ પણ છે. મુસાફરો હવે મુશ્કેલીમાં ના મુકાય તેની કેન્દ્ર સરકાર તકેદારી રાખે. 

દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવની બેંચ વકીલ અખિલ રાણા અને ઉત્કર્ષ શર્મા દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી છે જેમાં મુસાફરોને ટિકિટ રદ થઇ તેવા સંજોગોમાં વળતર આપવાની સાથે ઇન્ડિગોની સામે સ્વતંત્ર ન્યાયિક તપાસની માગણી પણ કરવામાં આવી છે. આ કટોકટી સમયે અન્ય એરલાઇન્સો દ્વારા ભાડા વધારી દેવાયા હતા, જે મુદ્દે દિલ્હી હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે સંકટની સ્થિતિ હતી તો અન્ય એરલાઇન્સને તેનો ફાયદો ઉઠાવવા દેવાની છૂટ કેવી રીતે આપી શકાય? પાંચ હજારમાં મળનારી ટિકિટો ૩૫થી ૪૦ હજારમાં કેવી રીતે વેચાઇ રહી હતી? આવી છૂટ કઇ રીતે આપી શકાય? કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે આ મુદ્દે નિયમોનું પાલન કરવા આદેશ અપાયા છે. 

સંકટ ટાળવા એરલાઇન્સ પુરતા પાયલટોની ભરતી કરી શકી હોત : મુખ્ય ન્યાયાધીશ

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે ફ્લાઇટ ડયૂટી લિમિટેશનનો અમલ ૧ નવેમ્બરથી થવાનો હતો, જેનો અમલ કરવામાં એરલાઇન્સ નિષ્ફળ રહી હોય તો સરકાર શું કરી રહી હતી? એરલાઇન્સ નિષ્ફળ રહી તેની સામે સરકારે શુ પગલા લીધા? શું સરકાર લાચાર છે? આ સ્થિતિને ટાળવા માટે એરલાઇન્સ જરૂરિયાત મુજબ પાયલટોની ભરતી કરી શકી હોત, ડીજીસીએ કહે છે કે તે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે? અમારો સવાલ એ છે કે જો એરલાઇન્સ દ્વારા પુરતા પાયલટોની વ્યવસ્થા કરવામાં ના આવી હોય તો તેની સામે પગલા લઇ શકાય? 

આ સંકટથી દેશના અર્થતંત્ર પર માઠી અસર થઇ : હાઇકોર્ટ 

હાઇકોર્ટની બેંચે કહ્યું હતું કે  જે કાર્યવાહી કરાઇ તેને અમે આવકારીએ છીએ પણ જ્યારે સંકટ સામે આવ્યું ત્યારે પગલા લેવામાં આવ્યા, તે પહેલા તમે શું કરી રહ્યા હતા? કેમ કોઇ કાર્યવાહી કરવામાં ના આવી? આ પરિસ્થિતિનું નિર્માણ થવા જ કેમ દીધુ? એરપોર્ટ પર લાખો મુસાફરોને રઝળતા મુકી દેવાયા, આ પ્રકારની પરિસ્થિતિની અસર માત્ર મુસાફરો જ નહીં દેશની અર્થવ્યવસ્થા પર પણ પડતી હોય છે. મુસાફરોની ઝડપી અવર જવર અર્થતંત્રને સક્રિય રાખે છે.   

19 વર્ષમાં પ્રથમ વખત આ સંકટ આવ્યું : ઇન્ડિગો, અન્ય એરલાઇન્સ તો યોગ્ય ચાલે છે : હાઇકોર્ટ 

ઇન્ડિગો તરફથી હાજર વકીલ સંદીપ સેઠીએ હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે ૧૯ વર્ષના એરલાઇન્સના ઇતિહાસમાં પ્રથમ વખત આ સંકટ આવ્યંુ છે. એરલાઇન્સ ૯૦ ટકા સક્રિય ભૂમિકામાં આવી ગઇ છે. જવાબમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે સવાલ કર્યો હતો કે અન્ય એરલાઇન્સ દ્વારા નિયમોનો અમલ કરાયો તેમને કોઇ મુશ્કેલી ના નડી, તમારી સાથે જ કેમ આવુ થયું? હાલમાં સ્થિતિ થાળે પડી રહી છે તે સારી બાબત છે પરંતુ એક અઠવાડિયા સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા તેનું શું?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here