વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ નોંધપાત્ર વધ્યાનું રિઝર્વ અત્યારસુધીમાં ૩૧ અબજ ડોલર વધી ૧૦૮ અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. વર્તમાન વર્ષના માર્ચના અંતે ગોલ્ડ રિઝર્વનો આંક ૭૭ અબજ ડોલર રહ્યો હતો.

સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળા ઉપરાંત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદીને પરિણામે ગોલ્ડ રિઝર્વમાં વધારો જોવા મળ્યો હોવાનું આરબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૨૫માં સોનાના ભાવ સતત ઊંચા જોવા મળી રહ્યા છે. ભૌગોલિકરાજકીય તાણ તથા નીચા વ્યાજ દર વચ્ચે રોકાણકારો દ્વારા સેફ હેવન તરીકે ગોલ્ડની ખરીદી વધતા ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે.
ભારત સહિત વિશ્વની અનેક કેન્દ્રીય બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી જળવાઈ રહી છે.
ગયા નાણાં વર્ષના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સોનાના પ્રતિ ઔંસ ભાવ જે ૨૮૫૭ ડોલર રહ્યા હતા તે વર્તમાન વર્ષમાં ઉપરમાં ૪૩૭૯ ડોલર જોવા મળ્યા હતા. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના અંતે દેશના એકંદર રિઝર્વમાં સોનાના રિઝર્વનો હિસ્સો વધી ૯ ટકા રહ્યો હતો જે એક વર્ષ પહેલા ૪ ટકા હતો.
નોન-કરન્સી એસેટસનું સ્તર વધારી ભારતે પોતાની બહારી બેલેન્સ શીટને મજબૂત બનાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ગોલ્ડ જેવી નોન-કરન્સી એસેટસ કરન્સીની વોલેટિલિટી સામે તથા બહારી આંચકા સામે હેજિંગ પૂરુ પાડે છે.

