રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવાસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યા છે, ત્યારે જ્યારે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે મહેમાનોને વિપક્ષના નેતા સાથે મળવા નથી દેતા.

પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અત્યારસુધીમાં પરંપરા રહી છે કે, વિદેશથી આવતા નેતા વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરતા હતા. જે પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયી અને મનમોહન સિંહના સમયમાં પણ થતુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરી રહ્યા નથી.’
સરકાર ઇચ્છતી નથી કે વિદેશી નેતાઓ વિપક્ષ સાથે મળે: રાહુલ
સંસદ પરિસરમાં રાહુલે કહ્યું કે, ‘સરકાર વિદેશીઓને મારી સાથે ન મળવાનું કહે છે. વિદેશ પ્રવાસ કરતી વખતે પણ આ જ વાત લાગુ પડે છે. અમને સંદેશાઓ મળે છે કે સરકારે કહ્યું કે, તમને ન મળવું. વિપક્ષી નેતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને આ બેઠકો વિદેશી નેતાઓને એક અલગ દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. જોકે, સરકાર ઇચ્છતી નથી કે વિદેશી નેતાઓ વિપક્ષ સાથે મળે.’
પુતિન આજે સાંજે ભારત પહોંચશે
પુતિન આજે સાંજે ભારત પહોંચશે અને શુક્રવારે વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરશે. આ બેઠકમાં સુરક્ષા સંબંધોને મજબૂત કરવા, ભારત-રશિયા વ્યાપારને બહારના દબાણથી સુરક્ષિત રાખવા અને સ્મોલ મોડ્યુલર રિએક્ટરો સાથે સહયોગ જેવા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. રાહુલ ગાંધીના આરોપ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘આ બહુ અલગ છે. એક પ્રોટોકોલ હોય છે અને આવનાર તમામ વિદેશી નેતા વિપક્ષને મળે છે. સરકાર આ પ્રોટોકોલનો ઉલ્લંઘન કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે કોઈ પોતાનો અવાજ ઉઠાવે અને તેઓ કોઈને સલાહ સાંભળવા માંગતા નથી. લોકતંત્રમાં બધાને પોતાના અભિપ્રાયો આપવાનો અધિકાર હોવો જોઈએ, ચર્ચા થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.’

