NATIONAL : સરકાર-પ્રજા વચ્ચેની ખાઈ વધે તો હિંસક આંદોલન થાય: ભાગવત

0
53
meetarticle

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંઘના શતાબ્દિ વર્ષ સમારંભમાં નાગપુરમાં  પડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળમાં થયેલા હિંસક આંદોલનો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ આંદોલનોનું કારણ સરકાર અને સમાજ વચ્ચે સંપર્ક કપાઈ જવો છે. આ સાથે તેમણે ટ્રમ્પના ટેરિફને ટાંકીને કહ્યું કે, અન્ય દેશો સાથે વેપાર માટે ભારતની નિર્ભરતા લાચારીમાં બદલાવી જોઈએ નહીં. આપણે દેશનો વિકાસ જાળળી રાખવા માટે સ્વદેશી  વસ્તુઓ અને આત્મનિર્ભરતાને અપનાવવા જ પડશે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિજયાદશમીએ ૧૦૦મા સ્થાપના દિન નિમિત્તે નાગપુરમાં રેશમબાગ મેદાનમાં શતાબ્દિ વર્ષની ઊજવણીના ભાગરૂપે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પડોશી દેશોમાં થયેલા આંદોલનોનો ઉલ્લેખ કર્યો હતો. નાગપુરમાં સંઘના શતાબ્દિ વર્ષના મુખ્ય કાર્યક્રમમાં અંદાજે ૨૧,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

તેમણે કહ્યું કે, સરકાર જનતાને ધ્યાનમાં રાખીને નીતિઓ ના બનાવે ત્યારે લોકોમાં ભારે આક્રોશ ફેલાય છે. સરકાર લોકો અને તેમની સમસ્યાઓથી દૂર થઈ જાય છે એટલે તેના વિરુદ્ધ દેખાવો થવા લાગે છે. જોકે, હિંસક આંદોલનોથી ક્યારેય સમાજમાં પરિવર્તન આવતું નથી. પ્રજાતાંત્રિક માર્ગથી જ પરિવર્તન આવે છે. હિંસક આંદોલનોથી સમાજમાં ઉથલ-પાથલ થઈ જાય છે, પરંતુ સ્થિતિ નથી બદલાતી. 

તેમણે જણાવ્યું કે, દુનિયાનો ઈતિહાસ આ બાબતનો સાક્ષી છે. ફ્રાન્સની ક્રાંતિ રાજા વિરુદ્ધ હતી પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે, નેપોલિયન બાદશાહ બની ગયો. પડોશી દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સ્થિતિ આપણા માટે ચિંતાજનક છે. ક્રાંતિઓ ક્યારે નિરંકુશ બની જાય છે તે ખ્યાલ નથી આવતો. 

મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુ સમાજે હિન્દુ રાષ્ટ્ર બનવું હશે તો એકત્ર થવું પડશે અને જવાબદાર તથા જવાબદેય બનવું પડશે. હિન્દુ સમાજની આંતરિક મજબૂતી અને ચરિત્ર રાષ્ટ્રીય એકતા અને વિકાસની ખાતરી આપે છે. હિન્દુ સમાજ ‘આપણે અને તમેની’ વિભાજનકારી માનસિક્તાથી મુક્ત સમાવેશક સમાજ છે. હિન્દુ સમાજે દુનિયાને ઘણું આપ્યું છે. ભારત પ્રાચીન હિન્દુ રાષ્ટ્ર છે. જોકે, કોઈ પોતાને હિન્દુ કહેવડાવવામાં શરમ અનુભવતા હોય તો તેઓ પોતાને ‘ભારતીય’ કહી શકે છે. અમને રાષ્ટ્ર-રાજ્યની અવધારણાથી કોઈ સમસ્યા નથી, પરંતુ સાંસ્કૃતિકરૂપે આપણે હંમેશા એક પ્રાચીન હિન્દુ રાષ્ટ્ર છીએ. 

સંઘ પ્રમુખ ભાગવતે પહલગામમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકીઓએ ધર્મના આધારે નિર્દોષ હિન્દુઓની હત્યા કરી. આપણી સેના અને સરકારે પાકિસ્તાનને અસરકારક જવાબ આપ્યો હતો. આ ઘટનાએ આપણને મિત્રો અને દુશ્મનીનોની સાચી ઓળખ કરાવી છે. જોકે, ભારતે તેની સુરક્ષા ક્ષમતા વધારવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય આર્થિક દબાણોનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે, ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન અને આત્મનિર્ભરતાના માર્ગે મજબૂતીથી આગળ વધવું જોઇએ. દુનિયામાં વ્યાપારિક ભાગીદારો પર ભારતની નિર્ભરતા લાચારીમાં બદલાવી જોઈએ નહીં. આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

તેમણે ઉમેર્યું કે, આપણો દેશ આર્થિક ક્ષેત્રમાં આગળ વધે તે માટે યુવાન ઉદ્યોગ સાહસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ટેરિફ નીતિ તેના હિત માટે અપનાવી હશે, પરંતુ વિશ્વનું જીવન નિર્ભરતાથી ચાલે છે. એકલો દેશ આઈસોલેશનમાં ટકી શકે નહીં. જોકે, આ નિર્ભરતા મજબૂરીમાં ના બદલાઈ જાય. આપણે સ્વદેશી અને સ્વાવલંબન થવું જ પડશે. 

સાત સામાજિક પાપોનો ઉલ્લેખ

મોહન ભાગવતે ફરી એક વખત તેમના ભાષણમાં સાત સામાજિક પાપોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ‘મહેનત વિના કામ’, ‘વિવેક વિના આનંદ’, ‘ચરિત્ર વિના જ્ઞાાન’, ‘નૈતિક્તા વિના વેપાર’, ‘બલિદાન વિના ધર્મ’ અને ‘સિદ્ધાંત વિના રાજકારણ’ને સાત પાપ ગણાવ્યા હતા. આ પાપથી સમાજમાં અસંતુલન વઘુ ઘેરું બને છે તેમ તેમણે કહ્યું હતું.

કેરળના પૂર્વ ડીજીપી જેકબ થોમસ સંઘમાં જોડાયા

કોચ્ચિ : કેરળના ભૂતપૂર્વ ડીજીપી જેકબ થોમસ પૂર્ણકાલિન પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. મહાનવમીના પ્રસંગે ૧ ઑક્ટોબરે થૉમસે આરએસએસનો પારંપરિક ગણવેશ પહેરી પલ્લિક્કારામાં સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, સંઘનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક રૂપે સશક્ત વ્યક્તિઓનું નિર્માણ કરવાનો છે. આપણી વચ્ચે આવા વધુ વ્યક્તિઓના આવવાથી સમાજ મજબૂત થશે અને તેનાથી રાષ્ટ્ર મજબૂત થશે. તેથી આરએસએસ વ્યક્તિઓના માધ્યમથી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા માગે છે. આરએસએસમાં કોઈ જાતિ, ધર્મ, ભાષા અથવા પ્રાદેશિક જૂથબંધી નથી. થોમસ ૨૦૨૧માં ભાજપમાં જોડાયા હતા. 

તાજેતરમાં જ તેમણે સંગઠનમાં જોડાવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ગયા વર્ષે કેરળ કેડરનાં પહેલાં મહિલા આઈપીએસ અધિકારી અને પૂર્વ ડીજીપી આર. શ્રીલેકા ભાજપમાં જોડાયાં હતાં. આ સિવાય પૂર્વ ડીજીપી ટીપી સેનકુમાર પણ સંઘ પરિવારમાં જોડાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here