વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વમાં ત્રણમાંથી એક વ્યક્તિને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. વિશ્વભરમાં પીવા લાયક જળનું સ્તર ઘટી રહ્યું છે. એવામાં સ્પેનમાં વિશ્વનો પ્રથમ સૌર ઉર્જા સંચાલિત સોલર ડિસેલિનેશન ડોમ તૈનાત કરવામાં આવ્યો છે.

જે સમુદ્રના ખારા પાણીને કોઇ પણ પ્રકારના ફિલ્ટર, પમ્પ, વીજળી કે કેમિકલ વગર જ શુદ્ધ પીવા લાયક પાણીમાં ફેરવી નાખે છે. એટલુ જ નહીં શુદ્ધ પાણીની સાથે મીઠાનું પણ ઉત્પાદન કરે છે. આ અતિ ઉપયોગી ડોમને સોલરડયૂ કન્સોર્ટિયમ અને સીએસઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં વિશેષ કર્વ્ડ ગ્લાસની પેનલનો ઉપયોગ કરાયો છે જે સૂર્ય પ્રકાશને સેન્ટ્રલ થર્મલ સોલ્ટ બાથમાં ફેરવી નાખે છે. દિવસ દરમિયાન આ સમગ્ર પ્રક્રિયાથી ડોમમાં એટલી ઉર્જાનો સ્ટોરેજ થઇ જાય છે જે રાત્રી દરમિયાન પાણીને ઉકળતું રાખવા અને ભાપ તૈયાર કરવા માટે પુરતુ છે. હવામાં રહેલી આ ભાપ કે ગેસ અંતે પાણીમા રૂપાંતરિત થાય છે. જેને સ્ટોરેજમાં સ્ટોર કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે આરઓ સિસ્ટમાં અનેક પ્રકારના ફિલ્ટરો અને મોટર પંપ હોય છે, જોકે આ ડોમમાં કોઇ જ પંપ, કોઇ ફિલ્ટર નથી, એટલુ જ નહીં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરવા માટે કોઇ વીજળી કે કેમિકલની પણ જરૂર નથી પડતી. આ ભાપની પ્રક્રિયાથી પ્રતિ દિન ૬૦૦૦ લિટર પાણી પ્રોડયુસ કરી શકાય છે. વળી આ સમગ્ર પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારનો વેસ્ટ પણ નથી નીકળતો, અંતે માત્ર ડ્રાઇ સોલ્ટ મળે છે જેને પણ વેચી શકાય છે એટલે કે ઉપયોગમાં લઇ શકાય છે. દુષ્કાળ પ્રભાવીત દક્ષિણ યુરોપમાં આ સંશોધન ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડવામાં ઘણુ જ મદદરૂપ સાબીત થઇ રહ્યું છે. હાલમાં સમુદ્રના તટ પર આવા અનેક ડોમ તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે.

