ભરૂચ તાલુકાના જુના તવરા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા ૧૫ દિવસથી ટપાલ વિતરણ ખોરવાઈ ગયું છે, જેના કારણે ગામ અને આસપાસની સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોસ્ટમેનની ગેરહાજરીના કારણે પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ઢગલો થઈ ગયો છે, જેનાથી લોકો સરકારી દસ્તાવેજો, કુરિયર અને અન્ય અગત્યના પત્રો મેળવી શક્યા નથી.
પોસ્ટ ઓફિસના કર્મચારી ખુશી પ્રજાપતિએ જણાવ્યું કે, ટપાલ વિતરણની જવાબદારી સંભાળતા પોસ્ટમેન ગૌરવ પટેલ ૧૨ તારીખથી ગેરહાજર છે. આ બાબતે ભરૂચ હેડ ઓફિસને વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આ સમસ્યાથી રોષે ભરાયેલા ગામલોકોએ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કરી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો..
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભરૂચ પોસ્ટલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડાએ સ્થળની મુલાકાત લીધી હતી. જોકે, તેમના સંતોષકારક જવાબ ન મળતા મામલો વધુ ગરમાયો હતો.આખરે, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે દરમિયાનગીરી કરી હતી અને ટૂંક સમયમાં નવા કર્મચારીની નિમણૂક કરી ટપાલ વિતરણ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી, જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.


