આમોદના મુખ્ય માર્ગો પરની ખુલ્લી ગટરો અને બિસ્માર રસ્તાઓ સ્થાનિકો માટે જીવલેણ જોખમ બની રહ્યા છે. તાજેતરમાં “બચ્ચો કા ઘર” નજીક આવી જ એક પાણી ભરેલી અને ખુલ્લી ગટરમાં એક કાર ખાબકતા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શાળાઓ, મદ્રેસાઓ અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે ખુલ્લી ગટરો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ચોમાસામાં પાણી ભરાઈ જવાથી આ ગટરો ‘મૃત્યુના કૂવા’ સમાન બની જાય છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે અણધાર્યા અકસ્માતનું કારણ બને છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે પ્રજાના જીવ સતત જોખમમાં છે.
ઘટના બાદ મીડિયાના દબાણ હેઠળ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ ચાલુ વરસાદમાં છૂટું મટીરીયલ પાથરીને માત્ર દેખાવ પૂરતું જ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની બેદરકારી ભરી કામગીરી લાંબો સમય ટકી શકે તેમ નથી અને પ્રજાના પૈસાનો દુરુપયોગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
આ ઘટના પરથી એક ગંભીર સવાલ ઉઠે છે કે શું કોઈ નિર્દોષ નાગરિક કે માસૂમ બાળકનો જીવ ગયા પછી જ તંત્રની આંખ ખુલશે? પ્રજાની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ખુલ્લી ગટરો પર ઢાંકણા મૂકવામાં આવે, રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ બેદરકારી માત્ર એક અકસ્માત નથી, પરંતુ પ્રજાના જીવ અને સંપત્તિ પ્રત્યેની તંત્રની ઉપેક્ષા દર્શાવે છે.


