ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લામાં અંદાજિત ૫૪ કરોડના ખર્ચે ૬૬ કે. વી સબસ્ટેશન લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ કડાણા દિવડા કોલીની ખાતે કેબિનેટ કક્ષાના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે કેબિનેટ કક્ષાના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા દરેક ગામમાં વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કર્યું છે, જેથી રાત્રિના સમયે પડતી અનેક સમસ્યાનો અંત આવ્યો. હાલમાં, ગુજરાતના દરેક ગામોને દિવસ દરમિયાન વીજળી મળે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા વીજળી કનેક્શન માટેના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. હવે સાતબારમાં જેનું નામ હોય અને તેની પાસે બોર હોય તેને અન્ય સગાની મંજૂરી વિના પણ વીજ કનેક્શન મળી શકે છે. ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખેતીવાડી માટે વીજ કનેક્શન આપવામાં આવે છે, જેમાં આદિવાસી વિસ્તારના ખેડૂતોને પ્રાધાન્યતા મળે છે. ઘર માટે વીજ કનેક્શન મફત આપવામાં આવે છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોરે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં વીજળીની અનેક સમસ્યાઓ હતી તેની સામે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેવાડાના દરેક ગામોમાં વીજળી પોહચાડવામાં આવી છે આજે જીલ્લામાં ૫૪ કરોડના ખર્ચે બનેલા નવા 66 KV સબસ્ટેશનનું લોકાર્પણ અને ભૂમિપૂજન થકી અનેક ગામડાઓમાં વીજળીની સમસ્યાનો અંત આવશે અને વીજળી 24 કલાક ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય અને બાલાસિનોર ધારાસભ્ય એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આજ રોજ મંત્રી કનુભાઈ દેસાઈ અને ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે સંતરામપુર તાલુકામાં અંદાજિત ૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી ચૂથાના મુવાડા સબસ્ટેશન, કડાણા તાલુકામાં અંદાજિત ૧૧.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી મુનપુર સબસ્ટેશન લોકાર્પણ, સંતરામપુર તાલુકામાં અંદાજિત ૧૧.૯૭ કરોડના ખર્ચે ૬૬ કે.વી બટકવાડા સબસ્ટેશન ઈ-લોકાર્પણ, બાલાસિનોર તાલુકામાં અંદાજિત ૯.૫૭ કરોડના ખર્ચે ૬૬ કે.વી જનોડ સબસ્ટેશન ઈ-લોકાર્પણ અને સંતરામપુર તાલુકામાં ૧૪.૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬૬ કે.વી આંબા સબસ્ટેશન ઈ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત , જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, getco એમ.ડી ઉપેન્દ્ર પાંડે, ભરુચ એડિશનલ ચીફ ઈંજનેર શ્રીમતી પન્નાબેન, getco ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી,મહીસાગર……..


